Get The App

ભાજપ-JDUમાં સીટ શેરિંગની ફોર્મ્યુલા ફાઈનલ, ખુદને 'મોદીના હનુમાન' કહેનારા નેતાને લાગશે ઝટકો!

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપ-JDUમાં સીટ શેરિંગની ફોર્મ્યુલા ફાઈનલ, ખુદને 'મોદીના હનુમાન' કહેનારા નેતાને લાગશે ઝટકો! 1 - image


NDA Seat Sharing Bihar Election 2025 : બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં સંભવિત વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય ગઠબંધનોએ તૈયારીઓ તેજ કરી છે. એક તરફ સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) છે, તો બીજી તરફ વિપક્ષી INDIA ગઠબંધન પણ આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ દરમિયાન NDAમાં બેઠકોની વહેંચણી લગભગ નિશ્ચિત થઈ ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

NDAમાં સીટ શેરિંગનો સંભવિત ફોર્મ્યુલા

બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે. મીડિયા રિપોર્ટ મુજબ, NDAનો મુખ્ય પક્ષ ભાજપ અને જનતા દળ યુનાઈટેડ (JDU) વચ્ચે લગભગ 100-100 બેઠકો પર ચૂંટણી લડવા અંગે ચર્ચા થઈ છે. જોકે JDU 100થી ઓછી બેઠકો પર લડવા તૈયાર ન હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ચિરાગે 40 બેઠકો માગી, 20 મળવાની સંભાવના

NDA ગઠબંધનના અન્ય સાથી પક્ષોની વાત કરીએ તો, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP)એ 40 બેઠકોની માંગ કરી છે, પરંતુ તેમને લગભગ 20 બેઠકો મળવાની સંભાવના છે. બાકીની બેઠકો જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા (RLM) જેવા પક્ષોમાં વહેંચવામાં આવશે. સંભાવના મુજબ, જો મુકેશ સહનીની વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP) I.N.D.I.A. ગઠબંધન છોડીને NDAમાં સામેલ થશે, તો સીટ શેરિંગના સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે.

ગત ચૂંટણીનું ગણિત અને વર્તમાન સ્થિતિ

છેલ્લી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 110 અને જેડીયુએ 115 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાં ભાજપને 74 અને જેડીયુને માત્ર 43 બેઠકો મળી હતી. તે સમયે, વીઆઈપી અને હમ પણ એનડીએમાં સામેલ હતા. વીઆઈપીને 11 અને હમને 7 બેઠકો મળી હતી, જેમાંથી બંનેએ 4-4 બેઠકો પર જીત મેળવી હતી. તે સમયે ચિરાગ પાસવાને એકલા હાથે 135 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને માત્ર એક જ બેઠક જીતી શક્યા હતા, જેના કારણે જેડીયુને મોટું નુકસાન થયું હતું. જોકે તાજેતરની લોકસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાન એનડીએ સાથે જોડાતા ગઠબંધનને 30 બેઠકો પર જીત મળી હતી.

આ પણ વાંચો : રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન, કહ્યું- ‘2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની’

ચિરાગ પાસવાન સામે પડકાર

પોતાને મોદીના હનુમાન કહેનારા ચિરાગ પાસવાન માટે આ ચૂંટણીમાં સ્થિતિ થોડી જટિલ છે. અગાઉ તેમણે 243 બેઠકો પર ચૂંટણી લડવાની વાત કરી હતી. હવે જો તેમને અપેક્ષા કરતાં ઓછી બેઠકો મળે તો તેમની આગામી રણનીતિ શું હશે તે જોવું રસપ્રદ રહેશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ NDA સાથે જ રહેશે અને ગઠબંધનના અન્ય પક્ષો માટે પણ વોટ માંગશે.

આ પણ વાંચો : અનિશ દયાલ સિંહની નાયબ NSA તરીકે નિમણૂક, 30 વર્ષ IBમાં ફરજ નિભાવી ચૂક્યા છે

Tags :