બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી

Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ રાજ્યના રાજકીય ગઠબંધનોમાં બેઠકોની વહેંચણીને લઈને આંતરિક વિખવાદ અને તણાવ શરુ થઈ ગયો છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)માં ચિરાગ પાસવાનની મુશ્કેલીઓ બાદ હવે વિપક્ષી મહાગઠબંધનમાં પણ કકળાટ શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મહાગઠબંધનના મહત્ત્વના ભાગીદાર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) (CPI-ML)એ રાષ્ટ્રીય જનતા દળ (RJD) દ્વારા આપવામાં આવેલી 19 બેઠકોની ઓફરને નકારી કાઢી છે.
CPI-MLની 30 બેઠકોની માંગ
રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ CPI-MLને 19 બેઠકો ઓફર કરી હતી, જેમાં તેની અગાઉની કેટલીક બેઠકોની અદલાબદલીનો પ્રસ્તાવ પણ સામેલ હતો, જેને CPI-ML એ ફગાવી દીધો છે. CPI-ML પાર્ટીએ જણાવ્યું છે કે 2019 અને 2020ની ચૂંટણીમાં તેના મજબૂત પ્રદર્શનના આધારે વધુ બેઠકોની માંગ કરી રહી છે. સૂત્રો જણાવ્યાનુસાર, CPI-ML ટૂંક સમયમાં RJDને 30 બેઠકોની નવી યાદી સુપરત કરશે.
ગઠબંધનમાં 'બધું બરાબર' હોવાનો દાવો
બેઠકોની વહેંચણીના વિખવાદ વચ્ચે મહાગઠબંધનના નેતા અને વિકાસશીલ ઈન્સાન પાર્ટી(VIP)ના વડા મુકેશ સાહનીએ દાવો કર્યો છે કે, 'ગઠબંધનમાં કોઈ મૂંઝવણ નથી. 243 બેઠકો વહેંચવા માટે અમારા પર દબાણ છે. બેઠકો ચાલુ છે અને દરેક બાબત પર ચર્ચા થઈ રહી છે. અમારા બધા ગઠબંધન ભાગીદારો જાણે છે કે રાજ્યમાં 243 બેઠકો છે અને દરેકને સમાયોજિત કરવું પડશે. દરેકને તેમના સમર્થન આધાર અનુસાર સન્માનજનક સંખ્યામાં બેઠકો મળશે.'
આ પણ વાંચો: હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર
NDAમાં પણ તણાવ યથાવત્
નોંધનીય છે કે, મહાગઠબંધનની જેમ જ NDAમાં પણ બેઠકોની વહેંચણીને લઈને તણાવ વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિરાગ પાસવાનની પાર્ટી (LJP-RV) 25-30 બેઠકો પર અડગ છે અને જો વાટાઘાટો નિષ્ફળ જશે તો તે ફરી એકવાર NDA સામે બળવો કરી શકે છે. આ સાથે જ પ્રશાંત કિશોર અને ચિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરી શકે છે તેવી અટકળોએ બિહારના રાજકારણને વધુ ગરમાવી દીધું છે. બંને મુખ્ય ગઠબંધનોમાં આંતરિક વિખવાદના કારણે બેઠક વહેંચણીની અંતિમ જાહેરાતમાં વિલંબ થઈ શકે છે.