Get The App

બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડવા કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી?

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડવા કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી? 1 - image

Bihar Assembly Election 2025:  બિહારના રાજકારણમાં કોંગ્રેસના તાજેતરના પગલાંએ તમામને ચોંકાવી દીધા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 10 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી બિહારમાં પદયાત્રા કરશે, જેમાં તેઓ 18 જિલ્લાઓની મુલાકાત લેશે અને મહાગઠબંધન સાથે વિપક્ષની શક્તિનું પ્રદર્શન કરશે. આ અગાઉ બિહાર કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ રામ અને અન્ય નેતાઓની ઈમરત શરિયાના મૌલાનાઓ સાથેની તાજેતરની મુલાકાતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઈમરાન પ્રતાપગઢી જેવા પ્રભાવશાળી નેતાઓ બિહારમાં સક્રિય થયા છે જેમનો મુસ્લિમ સમુદાયમાં વિશેષ પ્રભાવ છે. વાસ્તવમાં રાજકીય નિષ્ણાતો આ 'રાજકારણ'ને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે અને કહે છે કે આ પ્લાન એ બાબતનો સંકેત છે કે કોંગ્રેસ મુસ્લિમ મતોને આકર્ષવા માટે વ્યૂહરચના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે બિહારમાં મુસ્લિમ વસ્તી લગભગ 18% છે, જે સીમાંચલ, મિથિલાંચલ અને મગધની 63 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

RJD માટે પડકાર

કોંગ્રેસની આ વ્યૂહરચના મહાગઠબંધન માટે ખાસ કરીને RJD માટે પડકાર બની શકે છે. RJDની પરંપરાગત વોટબેંક મુસ્લિમ-યાદવ (MY) સમીકરણ પર આધારિત છે. 2015માં મહાગઠબંધનને 80% મુસ્લિમ મત મળ્યા હતા, પરંતુ 2020માં આ સમીકરણ નબળું પડી ગયું, જ્યારે AIMIMએ સીમાંચલમાં પાંચ બેઠકો જીતીને RJDની વોટબેંકમાં ઘટાડો કર્યો હતો. જો કોંગ્રેસ મુસ્લિમ મતો આકર્ષવામાં સફળ થાય તો RJDની વોટબેંક વધુ નબળી પડી શકે છે. તેજસ્વી યાદવની આગેવાની હેઠળની RJD પહેલાથી જ સીટ વહેંચણી અને ગઠબંધનની વ્યૂહરચનાને લઈને દબાણમાં છે. 

કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ

રાજકીય એક્સપર્ટનું કહેવું છે કે, કોંગ્રેસની આ વ્યૂહરચના કર્ણાટક, તેલંગાણા અને કેરળના જેવી છે, જ્યાં તેણે મુસ્લિમ સમુદાયનો વિશ્વાસ જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરી. જો બિહારમાં આવું થાય તો કોંગ્રેસ મહાગઠબંધનમાં તેની સોદાબાજી શક્તિમાં તો વધારો કરશે જ, પરંતુ પોતાને એક સ્વતંત્ર શક્તિ તરીકે પણ સ્થાપિત કરી શકશે. એક વરિષ્ઠ પત્રકારના મતે મુસ્લિમ મતદારો હવે એવા ઉમેદવારને પસંદ કરી રહ્યા છે જેની ભાજપને હરાવવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે. કોંગ્રેસ આ ભાવનાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે તે વારંવાર વક્ફ કાયદા અને SIRનો મુદ્દો ઉઠાવી રહી છે.

કોંગ્રેસની સક્રિયતા ઓવૈસી માટે મુશ્કેલી

અસદુદ્દીન ઓવૈસીની AIMIM બિહારમાં મુસ્લિમ મતો માટે એક વિકલ્પ તરીકે ઉભરી આવી હતી. 2020માં તેણે પાંચ બેઠકો જીતી હતી, પરંતુ મહાગઠબંધનમાં સામેલ થવાનો તેમનો તાજેતરનો પ્રયાસ નિષ્ફળ ગયો. કોંગ્રેસની સક્રિયતા ઓવૈસી માટે મુશ્કેલીઓ વધારી શકે છે. જો કોંગ્રેસ મુસ્લિમ મતદારોને પોતાના તરફ કરી લે તો AIMIMનો વોટ શેર ઘટી શકે છે. જોકે, ઓવૈસી 45 બેઠકો પર એકલા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, જે મહાગઠબંધનને પરોક્ષ રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ છતાં જો કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં વધુ તાકાત સાથે આવતી દેખાય તો શક્ય છે કે મુસ્લિમોનો કોંગ્રેસ પર વધુ વિશ્વાસ હશે.

આ પણ વાંચો: 'મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો', વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન

શું કોંગ્રેસ બિહારમાં એકલા હાથે ચૂંટણી લડશે કે મહાગઠબંધનમાં રહીને પોતાની તાકાત વધારશે? તેના પર વરિષ્ઠ પત્રકાર અશોક કુમાર શર્માએ કહ્યું કે, જો કોંગ્રેસ એકલા હાથે લડશે તો તે ભાજપને નુકસાન પહોંચાડશે, પરંતુ હાલમાં ગઠબંધનમાં રહેવું તેના માટે ફાયદાકારક છે. રાહુલ ગાંધીના તાજેતરના બિહાર પ્રવાસ અને 'નોકરી દો, પાલાયન રોકો' યાત્રાથી પાર્ટીના કાર્યકરોમાં જોશ આવ્યો છે. જોકે, કોંગ્રેસે ઉચ્ચ જાતિ, દલિત અને મુસ્લિમ મતોનું સંતુલન બનાવવું પડશે, કારણ કે તેનો મૂળ મત પણ ઉચ્ચ જાતિનો છે જે RJD સાથેના ગઠબંધનથી વિખેરાયેલો રહે છે. 

BJP-JDU ગઠબંધન માટે પણ પડકાર 

કોંગ્રેસની આ કવાયત બિહારમાં પોતાની ગુમાવેલી સત્તા પાછી મેળવવાનો પ્રયાસ છે. એક સમયે લાલુ યાદવના ટોણાનો શિકાર બનેલી કોંગ્રેસ હવે B પાર્ટી નહીં પણ A પાર્ટી બનવાના માર્ગે આગળ વધી રહી છે. કોંગ્રેસ પોતાના જૂના આધાર વોટને મજબૂત કરવાના પ્રયાસો પણ કરી રહી છે. તેણે દલિત મતોને આકર્ષવાનું શરૂ કરી દીધું છે અને મુસ્લિમ મતદારો તેમજ OBC સમુદાય અને ઉચ્ચ જાતિઓને પણ પોતાની તરફ ખેંચવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે જો મુસ્લિમ મતદારો કોંગ્રેસ તરફ વળે, તો તે માત્ર RJD પર જ દબાણ નહીં, પરંતુ BJP-JDU ગઠબંધન માટે પણ પડકાર ઉભો કરશે. જોકે, આ વ્યૂહરચના ત્યારે જ સફળ થશે જ્યારે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર સંગઠનને મજબૂત બનાવશે અને ગઠબંધનમાં સંતુલન જાળવી રાખશે.