નીતિશ કુમાર રાજ્યપાલને મળવા તો પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું, અટકળોનો દોર શરુ!

Bihar Politics: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ની 202 બેઠક પર પ્રચંડ વિજય છતાં ગઠબંધન પક્ષમાં વિશ્વાસનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. બિહારના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઘટના બની છે, જ્યાં મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રચંડ વિજય પછી પણ તાત્કાલિક રાજ્યપાલને મળીને સરકારનું રાજીનામું સુપરત કર્યું નથી. તેના બદલે તેમણે રાજ્યપાલને જાણ કરી છે કે રાજીનામું અને વિધાનસભાનું વિસર્જન 19મી નવેમ્બર 2025ના રોજ સુપરત કરવામાં આવશે.
બિહારમાં વર્ષો જૂની પરંપરા તૂટી
અહેવાલો અનુસાર, સામાન્ય રીતે, ચૂંટણી પરિણામો જાહેર થયા પછી તાત્કાલિક અંતિમ મંત્રીમંડળની બેઠક યોજાય છે અને મુખ્યમંત્રી રાજભવનમાં રાજ્યપાલને મળીને સરકારનું રાજીનામું સોંપીને નવી સરકાર રચાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહેવાની પરંપરા રહી છે.
17મી નવેમ્બર 2025ના રોજ રાજ્ય સરકારની અંતિમ મંત્રીમંડળની બેઠક યોજાઈ. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજભવનમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ આરિફ ખાનને મળ્યા હતા. જો કે, તેમણે રાજીનામું આપ્યું ન હતું. આ પરંપરા તોડીને મુખ્યમંત્રીએ રાજ્યપાલને માત્ર એટલું જ જણાવ્યું કે 19મી નવેમ્બરે વિધાનસભાનું વિસર્જન થશે, અને ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે.
નીતિશ કુમારના નિર્ણય પાછળનું કારણ શું?
નીતિશ કુમાર દ્વારા લેવાયેલા આ આશ્ચર્યજનક નિર્ણયને કારણે રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ નિર્ણય પાછળ ચૂંટણી પહેલા જ ચર્ચાઈ રહેલા ડર અને ગઠબંધન ભાગીદાર ભાજપ પ્રત્યેનો અવિશ્વાસ જવાબદાર હોઈ શકે છે.
ચૂંટણી પહેલા જ રાજકીય વિશ્લેષકો દાવો કરી રહ્યા હતા કે જો ભારતીય જનતા પાર્ટી બહુમતી બેઠકો જીતી લેશે, તો તે પોતાના મુખ્યમંત્રીને પસંદ કરી શકે છે, જેનાથી નીતિશ કુમારનું પદ જોખમમાં મૂકાશે. આ ડરને ટિકિટ વહેંચણીના સમયથી જ વેગ મળ્યો હતો, જ્યારે ભાજપ અને JDU બંનેએ 101-101 બેઠકો પર ચૂંટણી લડી હતી. આનાથી નીતિશ કુમારની પાર્ટીનો રાજ્યમાં 'મોટા ભાઈ' તરીકેનો દરજ્જો લગભગ સમાપ્ત થઈ ગયો હતો.
ગઠબંધનમાં આંતરિક નારાજગી
ટિકિટ વિતરણ બાદ તરત જ નીતિશ કુમાર નારાજ હોવાના અને તેમણે તેમના નજીકના સાથીઓની ઝટકણી કાઢી હોવાના અહેવાલો બહાર આવ્યા હતા, જે ગઠબંધનમાં આંતરિક ખેંચતાણનો સંકેત આપે છે. નોંધનીય છે કે, નીતિશ કુમારનું 19મી નવેમ્બર સુધી રાહ જોવાનું પગલું એ સંકેત આપે છે કે તેઓ ગઠબંધનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અથવા કોઈ અન્ય વ્યૂહરચનાના ભાગરૂપે સમય લઈ રહ્યા છે.

