Get The App

2 બેઠકો ઓછી મળે તેનો વાંધો નહીં પણ સ્ટ્રાઈક રેટ જરૂરી', NDA સમક્ષ ચિરાગ પાસવાનની શરત

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
2 બેઠકો ઓછી મળે તેનો વાંધો નહીં પણ સ્ટ્રાઈક રેટ જરૂરી', NDA સમક્ષ ચિરાગ પાસવાનની શરત 1 - image


Bihar Assembly Elections 2025: બિહારમાં આગામી મહિનાઓમાં વિધાનસભામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને જોર-શોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બેઠકોની વહેંચણીને લઈને એક મોટી વાત કહી દીધી છે. તેમણે કહ્યું કે, 'અમારા માટે બેઠકોની સંખ્યા મહત્વપૂર્ણ નથી, પરંતુ એ બેઠકો મહત્વપૂર્ણ છે જ્યાં અમે જીતી શકીએ છીએ.'

2 બેઠકો ઓછી મળે તેનો વાંધો નહીં પણ સ્ટ્રાઈક રેટ જરૂરી

લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે, 'હું ઈચ્છું છું કે, અમારી પાર્ટીએ જે રીતે લોકસભામાં પ્રદર્શન કર્યું હતું, એવી જ રીતે વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીનું પ્રદર્શન રહે. એટલે કે 100% સ્ટ્રાઇક રેટ. અમારા માટે માત્ર એ જ બેઠકો મહત્વની છે જ્યાં અમારી પાર્ટી જીતી શકે છે. પછી ભલે બે બેઠકો ઓછી મળે તો વાંધો નહીં પણ સ્ટ્રાઈક રેટ જરૂરી છે.' ચિરાગે એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતી વખતે આ વાતો કરી હતી.

આ રીતે થઈ શકે છે બેઠક વહેંચણી

ગત વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ચિરાગની પાર્ટી એલજેપીને એનડીએ દ્વારા ચૂંટણી લડવા માટે પાંચ બેઠકો આપી હતી, જેમાં તેમની પાર્ટીને પાંચેય બેઠકો પર જીત મળી હતી. ત્યારથી જ ચિરાગનો ઉત્સાહ ખૂબ જ ઉંચો છે. આ જ કારણોસર ચિરાગ ઈચ્છે છે કે, તેને એ જ બેઠકો મળે જ્યાં તેમની પાર્ટી જીત મળે. 

આ પણ વાંચો: સુરત જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ, વાહન-વ્યવહાર ખોરવાયો

ભલે બિહાર ચૂંટણીની જાહેરાત હજુ સુધી નથી થઈ, પરંતુ સીટ શેરિંગને લઈને બેઠકો શરૂ થઈ ગઈ છે. ભાજપ અને જેડીયુના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનમાં ટૂંક સમયમાં બેઠકોનું વિભાજન થઈ શકે છે. મીડિયા અહેવાલ પ્રમાણે બિહારની 243 બેઠકોમાંથી જેડીયુને 102-103 બેઠકો, ભાજપને 101-102 બેઠકો, ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ)ને 25-28 બેઠકો, જીતન રામ માંઝીની 'હમ'ને 6-7 બેઠકો અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમને 4-5 બેઠકો મળી શકે છે.

Tags :