Get The App

સુરત જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ, વાહન-વ્યવહાર ખોરવાયો

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
સુરત જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ, વાહન-વ્યવહાર ખોરવાયો 1 - image


Gujarat Monsoon : સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ખાસ કરીને રાત્રિના સમયે અસહ્ય ગરમી અને બફારા બાદ વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. લિંબાયત વિસ્તારમાં તો મેઘરાજાએ રીતસરનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું, જ્યાં માત્ર એક કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.

શહેરના અન્ય વિસ્તારો જેવા કે પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, સિટીલાઇટ, અડાજણ, રાંદેર, ડુમસ અને ઉધનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ જતા વાહન-વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા, જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વરસાદી પાણીના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નોકરી-ધંધા પર જતા લોકો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. જોકે, એક તરફ જ્યાં વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી હતી, ત્યાં બીજી તરફ શહેરીજનોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ બની છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં 108 ટકાથી વધુ વરસાદ

સપ્ટેમ્બર-2025ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 93  ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.   

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 145 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર તેમજ 17 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 93 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

Tags :