બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની 202 બેઠકો પર શાનદાર જીત, મહાગઠબંધન 35 પર સમેટાયું

Bihar Election Results 2025 : બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) એ શાનદાર જીત મેળવી. ચૂંટણીના પરિણામ મુજબ, બિહારમાં NDA 202 બેઠક પર જીત સાથે ફરી સરકાર બનાવશે. NDA ની પાર્ટી ભાજપ 89 બેઠકો પર જીત સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. આ ઉપરાંત, NDA ના બીજા પક્ષોની વાત કરીએ તો, નીતિશ કુમારની પાર્ટી JDU ને 85 બેઠક, ચિરાગ પાસવાનની પાર્ટી LJPR ને 19 બેઠક, જીતન રામ માંજીની પાર્ટી HAM ને 5 બેઠક અને RLM ને 4 બેઠક પર જીત મળી છે.
બીજી બાજુ, બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહા ગઠબંધનના સૂંપડા સાફ થઇ ગયા છે. મહાગઠબંધન ફક્ત 35 બેઠકો પર સમેટાઈ ગયું. મહાગઠબંધનમાં તેજસ્વી યાદવની પાર્ટી RJD એ સૌથી વધુ 25 બેઠક પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 6 બેઠક પર અને અન્ય સહયોગી પક્ષોએ 4 બેઠક પર જીત મેળવી છે. NDA હવે શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરી રહ્યું છે. તેજસ્વી યાદવ રાઘોપુરથી જીત્યા. તેજ પ્રતાપ હારી ગયા. નીતિશ કુમારે મુખ્યમંત્રી ગૃહમાં JDU નેતાઓ સાથે બેઠક યોજી.
બિહારની બમ્પર જીત પર PM મોદીએ શું કહ્યું?
બિહારમાં NDAની બમ્પર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, મેં કર્પૂરી ઠાકુરજીના ગામથી ચૂંટણી અભિયાન શરૂ કર્યું હતું. આ પ્રચંડ જીત, આ અતૂટ વિશ્વાસ... બિહારના લોકોએ ખૂબ જ મોટું કામ કર્યું છે. અમે NDAના લોકો, અમે તો જનતાના સેવક છીએ. અમે અમારી મહેનતથી લોકોને ખુશ કરવાનું ચાલુ રાખીએ છીએ, અને અમે લોકોના દિલ ચોરીને બેઠા છીએ. તેથી, આજે બિહારે જાહેર કર્યું છે: ફરી એકવાર, એનડીએ સરકાર.'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક જૂની કહેવત છે- લોહા લોહે કો કાટતા હે. બિહારમાં કેટલીક પાર્ટીઓએ તૃષ્ટિકરણવાળો MY ફોર્મ્યૂલા બનાવ્યો હતો. પરંતુ આજની જીતે એક નવો સકારાત્મક MY ફોર્મ્યુલા આપ્યો છે, જે મહિલાઓ(Mahila) અને યૂથ(Youth) છે. આજે બિહારના દેશા એ રાજ્યોમાંથી છે, જ્યાં સૌથી વધુ યુવાનોની સંખ્યા છે અને ત્યાં દરેક ધર્મ અને જાતિના લોકો સામેલ છે. તેમની ઇચ્છા, આકાંક્ષા અને તેમના સપનાઓને જંગલરાજવાળા જૂના અને સાંપ્રદાયિક MY ફોર્મ્યૂલાને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે હું જંગલરાજ અને કટ્ટા સરકારની વાત કરતો હતો તો આરજેડી પાર્ટી કોઈ વાંધો નહોતી ઉઠાવતી. જોકે, તેનાથી કોંગ્રેસ ચિંતિત થઈ જતી હતી. આજે હું ફરીથી કહું છું કે કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે. બિહારના લોકોને વિકસિત બિહાર માટે માટે મતદાન કર્યું છે. બિહારના લોકોને સમૃદ્ધ બિહાર માટે મતદાન કર્યું છે. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન બિહારની જનતા પાસે રેકોર્ડ વોટિંગનો આગ્રહ કર્યો હતો અને બિહારના લોકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. મેં બિહારના લોકોને NDAને પ્રચંડ જીત અપાવવાનો આગ્રહ કર્યો હતો, બિહારની જનતાએ મારો આ આગ્રહ પણ માન્યો.'
બિહારમાં જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા
મુખ્યમંત્રી નીતિશ કુમારે જીત બાદ ટ્વિટ કરીને પ્રથમ પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં રાજ્યના લોકોએ અમને ભારે બહુમત આપ્યો અને અમારી સરકાર પર વિશ્વાસ રાખ્યો છે. હું આ બમ્પર જીત આપવા બદલ રાજ્યના તમામ મતદારોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા મળેલા સમર્થન બદલ તેમને નમન કરું છું અને હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’
નીતિશ કુમારે વધુમાં લખ્યું છે કે, ‘એનડીએ ગઠબંધને ચૂંટણીમાં એકતા દેખાડીને ભારે બહુમતી મેળવી છે. આ મોટી જીત બદલ હું ગઠબંધનના તમામ સાથી ચિરાગ પાસવાન (Chirag Paswan), જીતન રામ માંઝી (Jitan Ram Manjhi) અને ઉપેન્દ્ર કુશવાહા(Upendra Kushwaha)નો પણ આભાર માનું છું. આપ સૌના સહયોગથી બિહાર વધુ આગળ વધશે અને બિહાર દેશના સૌથી વિકાસશીલ રાજ્યની કેટેગરીમાં સામેલ થશે.’
વધુ એક ચૂંટણી, વધુ એક હાર : અમિત માલવિયા
ભાજપ નેતા અમિત માલવિયા (Amit Malviya)એ રાહુલ ગાંધીની મજાક ઉડાવતા કહ્યું કે, ‘રાહુલ ગાંધી ! વધુ એક ચૂંટણી, વધુ એક હાર! જો ચૂંટણીમાં અવિરતતા હાર માટે કોઈ પુરસ્કાર હોત તો, તમે તે પુરસ્કારો જીતી જાત. પરાજય પણ વિચારતો હશે કે, તેઓ પરાજયને આટલી મજબૂતીથી કેવી રીતે શોધી લે છે.’
આ પણ વાંચોઃ ડબલ એન્જિનની ડબલ સેન્ચુરી! બિહારમાં NDAની બહુમતીના 10 કારણો
સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi)એ કવિ કબીર દાસના દોહાનો સહારો લઈ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘બુરા જો દેખન મૈં ચલા, બુરા ન મિલયા કોઈ, જો મન ખોજા અપના, તો મુજસે બુરા ન કોઈ.’ તેમણે કોંગ્રેસને પરિણામની સચોટતાની ખાતરી કરવા માટે મતદાર યાદીઓની ચકાસણી કરવાનો પણ આગ્રહ કર્યો છે.
વિપક્ષે હારનું ઠીકરું ચૂંટણી પ્રક્રિયા પર ફોડ્યું
વિપક્ષોએ ચૂંટણીના પરિણામોને ચૂંટણી કાવતરું ગણાવ્યું છે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (ECI Chif Gyanesh Kumar) અને ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેડા (Pawan Khera)એ કહ્યું કે, ‘શરૂઆતના વલણો દર્શાવે છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બિહારની જનતાની ઈચ્છા વિરુદ્ધ કામ કરી રહ્યા છે. આ લડાઈ ફક્ત ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ વચ્ચેની નથી, આ જ્ઞાનેશ કુમાર અને ભારતના લોકો વચ્ચેની સીધી ટક્કર છે.’
મહાગઠબંધનની હારથી તેજ પ્રતાપ ખુશ
ચૂંટણીમાં મહાગઠબંધનની હાર થતા તેજ પ્રતાપ યાદવ ખુશ થયા છે. તેમણે જેજેડીના ફેસબુક પેજ પર લખ્યું છે કે, ‘અમારી હારમાં પ્રજાની જીત છુપાયેલી છે, અમે હારીને પણ જીતી ગયા છીએ, કારણ કે બિહારે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, હવે રાજકારણ પરિવારવાદનું નહીં, પરંતુ સુશાસન અને શિક્ષણનું હશે.’
તેજ પ્રતાપે આરજેડીની શરમજનક હાર પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘આરજેડીની હાર એ જયચંદોની હાર છે. મેં પહેલા જ કહ્યું હતું કે, બિહારની ચૂંટણીમાં કોંગ્રેસ ખતમ થઈ જશે, જે આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હું હારીને પણ જીત્યો છું, કારણ કે, પ્રજાનો પ્રેમ, વિશ્વાસ અને આર્શિવાદ મારી સાથે છે. સત્ય કડવું છે, આ જયચંદોએ આરજેડીને અંદરથી ખોખલું કરી નાખ્યું, બરબાદ કરી નાખ્યું, તેથી જ તેજસ્વી આજે ફેલ થઈ ગયા છે.’
તેજ પ્રતાપ યાદવે NDA સરકારની પ્રશંસા કરતા કહ્યું કે, ‘બિહારે સુશાસનની સરકાર પસંદ કરી છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. સફળ વડાપ્રધાન અને વિશ્વના મજબૂત નેતા નરેન્દ્ર મોદીજીની પર્સનાલિટી અને જાદુઈ લીડરશીપના કારણે જ એનડીએને જીત મળી છે. પ્રજાએ નીતિશ કુમારના સુશાસનનો દિલથી સ્વિકાર કર્યો છે. ભાજપ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના બિહારના ઈન્ચાર્જ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિવસ-રાત મહેનત કર્યા બાદ આ ઐતિહાસિક પરિણામ આવ્યું છે.’
NDAની જીત પર મુકેશ સાહનીનું નિવેદન
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો રહેલા VIP(વિકાસશીલ ઇન્સાન પાર્ટી)ના પ્રમુખ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ સાહનીનું નિવેદન સામે આવ્યું છે. પરિણામ બાદ તેમણે કહ્યું છે કે, 'વિચાર્યું નહોતું કે આવું થશે, છતાં અમે લોકમત(જનાદેશ)નું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. જે લૂંટફાટની ઘટનાઓ અગાઉ રાત્રિના અંધારામાં થતી હતી, તે હવે ખુલ્લેઆમ થઈ રહી છે.'
તેમણે કહ્યું કે, જે કહીને NDAએ મત લીધા છે, હવે તેઓ કરીને બતાવે. સાહનીએ આરોપ લગાવ્યો કે NDAએ આ મત માતાઓ-બહેનોને ફોસલાવીને લીધા છે. ચૂંટણી પહેલા 10 હજાર રૂપિયા મહિલાઓના ખાતામાં આપવામાં આવ્યા. કહેવાયું હતું કે જીત બાદ એક લાખ 90 હજાર રૂપિયા આપવામાં આવશે. હવે NDAને તેમાં પારદર્શકતા દેખાડવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર (પહેલા તબક્કા) અને 11 નવેમ્બર (બીજા તબક્કા) નું મતદાન થયું હતું. આ વખતે બિહારમાં મતદાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બંને તબક્કાનું મળીને સરેરાશ 67.13 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે આજે (14 નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.

