રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાશે? 1.17 કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્રએ રાજ્ય સરકારોને મોકલ્યું
Ration Card News: પહેલી વાર કેન્દ્ર સરકારે એવા રેશનકાર્ડ ધારકોની ઓળખ કરી છે જેઓ મફત અનાજ યોજનાનો લાભ મેળવવા લાયક નથી. આ લાભાર્થીઓમાં આવકવેરા ભરનારાઓ, ફોર વ્હીલર માલિકો અને કંપનીઓના ડિરેક્ટરોનો સમાવેશ થાય છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આવકવેરા વિભાગ, માર્ગ પરિવહન મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય જેવી સરકારી એજન્સીઓના ડેટાબેઝ સાથે રેશનકાર્ડધારકોની વિગતો મેચ કરીને આ યાદી તૈયાર કરી છે.
1.17 કરોડ લોકો મફત અનાજ માટે અયોગ્ય
તપાસમાં જાણવા મળ્યું છે કે 94.71 લાખ રેશનકાર્ડધારકો કરદાતા છે, 17.51 લાખ ફોર વ્હીલર માલિકો છે અને 5.31 લાખ કંપની ડિરેક્ટર છે. કુલ મળીને લગભગ 1.17 કરોડ કાર્ડધારકો અયોગ્યની શ્રેણીમાં આવે છે. હવે કેન્દ્રએ રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ લેવલ વેરિફિકેશન કરવા અને આ અયોગ્ય કાર્ડધારકોને યાદીમાંથી દૂર કરવા જણાવ્યું છે.
રેશન કાર્ડની સમીક્ષા
ખાદ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "કેન્દ્રએ આ ડેટા શેર કર્યો છે જેથી રાજ્યોને અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવામાં અને વેઇટિંગ લિસ્ટમાં રહેલા વાસ્તવિક જરૂરિયાતમંદોને લાભ આપવામાં મદદ મળે. રેશન કાર્ડની સમીક્ષા કરવાની અને અયોગ્ય/ડુપ્લિકેટ કાર્ડ દૂર કરીને યોગ્ય લાભાર્થીઓને સામેલ કરવાની જવાબદારી રાજ્યોની છે."
કોને નહીં મળે મફત રાશન?
જણાવી દઈએ કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ અત્યાર સુધીમાં 19.17 કરોડ રેશન કાર્ડ જારી કરવામાં આવ્યા છે. દેશભરમાં આ યોજના હેઠળ કુલ 76.10 કરોડ લાભાર્થીઓ આવે છે. નિયમો અનુસાર, સરકારી કર્મચારીઓ, ફોર વ્હીલર માલિકો અને કરદાતાઓ મફત રાશન માટે પાત્ર નથી.
8 જુલાઈ, 2025 ના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં, ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે આ કવાયત યોગ્ય લોકો સુધી રાશન પહોંચાડવા માટે કરવામાં આવી રહી છે. તેમણે લખ્યું કે મંત્રાલયે CBDT, CBIC, MCA, MoRTH અને PM-Kisan જેવી અનેક એજન્સીઓના ડેટાબેઝમાંથી માહિતી એકત્રિત કરીને અયોગ્ય લાભાર્થીઓની ઓળખ કરી છે.