PM, CM કે કોઈ પણ નેતા... 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ છીનવાશે, સંસદમાં આજે બિલ થશે રજૂ
Parliment Session: કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કરશે, જેનો હેતુ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને ગંભીર ગુનાઈત કેસોમાં ધરપકડ અથવા અટકાયતમાં લેવામાં આવે તો તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવશે. હકીકતમાં, હાલમાં કોઈ પણ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ધરપકડ અથવા ન્યાયિક કસ્ટડીના કિસ્સામાં રાજકારણીઓને તેમના પદ પરથી દૂર કરી શકાય. પરંતુ, હવે સરકારે ત્રણ બિલ તૈયાર કર્યા છે જે ગંભીર ફોજદારી કેસોમાં આરોપી રાજકારણીઓ પર કડક કાર્યવાહી કરશે.
ત્રણ બિલ રજૂ કરાશે
કેન્દ્ર સરકાર બુધવારે જે બિલ રજૂ કરશે તેમાં કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ 2025, બંધારણ (એકસો ત્રીસમું સંશોધન) બિલ 2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલ 2025નો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ત્રણેય બિલોને સંસદની સંયુક્ત સમિતિને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ પણ રજૂ કરશે.
શું છે કેન્દ્રશાસિત સંશોધન બિલ?
કેન્દ્રશાસિત પ્રદેશ (સંશોધન) બિલ, 2025ના હેતું અને કારણોના જણાવતા કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ, 1963 (1963 ના 20) માં એવી કોઈ જોગવાઈ નથી કે જેના હેઠળ ગંભીર ગુનાઈત આરોપોમાં ધરપકડ અને અટકાયતની સ્થિતિમાં મુખ્યમંત્રી અથવા મંત્રીને દૂર કરી શકાય. તેથી, આ કાયદાની કલમ 45 માં સુધારો કરીને આવી પરિસ્થિતિ માટે કાનૂની જોગવાઈ કરવી જરૂરી છે.
બંધારણનું 130મું સંશોધન
બંધારણ (130મું સંશોધન) બિલ, 2025ના હેતુંમાં કહેવામાં આવ્યું કે, બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે, કોઈ મંત્રીને કોઈ ગંભીર ગુનાઈત આરોપમાં ધરપકડ અને કસ્ટડીમાં લેવાની સ્થિતિમાં પદ પરથી દૂર કરવામાં આવે. તેથી બંધારણના અનુચ્છેદ 75, 164 અને 239AAમાં સંશોધન કરીને વડાપ્રધાન અથવા કેન્દ્રીય મંત્રી અને રાજ્યો તેમજ દિલ્હીના મુખ્યમંત્રીને પદથી દૂર કરવાની પણ જોગવાઈ કરવાની જરૂર છે.
નવી જોગવાઈ હેઠળ જો કોઈ મંત્રી, જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા રાજ્યના મંત્રી સામેલ છે. જો તેમાંથી કોઈને પણ પાંચ વર્ષ અથવા તેનાથી વધુ સમયગાળાની સજાવાળા ગુના માટે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવી શકે છે.
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદામાં કલમ ઉમેરવામાં આવશે
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2025ના ઉદ્દેશ્યમાં જણાવવામાં આવ્યું કે, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદા, 2019 (2019 નો 34) માં એવી કોઈ જોગવાઈ નથી કે જેના હેઠળ ગંભીર ગુનાઈત આરોપોમાં ધરપકડ અને અટકાયતની સ્થિતિમાં મુખ્યમંત્રી અથવા મંત્રીને દૂર કરી શકાય. તેથી, તેની કલમ 54 માં સુધારો કરીને એક નવી કલમ (4A) ઉમેરવામાં આવશે.
આ પણ વાંચોઃ કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો
31માં દિવસે આપમેળે પદ પરથી દૂર કરવામાં આવશે
આ કલમ મુજબ, જો કોઈ મંત્રી તેમના કાર્યકાળ દરમિયાન સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે છે, તો 31માં દિવસે મુખ્યમંત્રીની સલાહથી ઉપરાજ્યપાલ દ્વારા તેમને દૂર કરવામાં આવશે. તે જ ક્રમમાં, જો મુખ્યમંત્રી આ બાબતનું ધ્યાન નહીં લે, તો બીજા દિવસે મંત્રી આપમેળે પદ પરથી દૂર થઈ જશે.
આ જ પ્રકારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો માટે પણ આવી જ પ્રક્રિયાનો પ્રસ્તાવ છે, જ્યાં અટકાયત કરાયેલા મંત્રી અથવા વડાપ્રધાનને સતત 30 દિવસની અટકાયત બાદ 31માં દિવસે આપોઆપ પદ પરથી દૂર કરી દેવાશે.
કેમ લાવવામાં આવ્યા આ બિલ?
બિલના હેતુ અને કારણોનું નિવેદન બંધારણીય નૈતિકતાનું રક્ષણ કરવાની અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં જાહેર વિશ્વાસ જાળવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. ચૂંટાયેલા નેતાઓ લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે, પરંતુ હાલમાં બંધારણમાં ગંભીર ગુનાઈત આરોપોમાં ધરપકડ અને અટકાયતમાં લેવાયેલા વડાપ્રધાન અથવા મંત્રીને દૂર કરવાની કોઈ જોગવાઈ નથી.
વધુમાં કહેવામાં આવ્યું કે, જનતા દ્વારા અપેક્ષા રાખવામાં આવે છે કે પદ પર રહેલા મંત્રીઓનું ચારિત્ર્ય અને વર્તન કોઈપણ શંકાની બહાર હોવું જોઈએ. ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા, ધરપકડ અને અટકાયતમાં લેવાયેલા મંત્રીઓ બંધારણીય નૈતિકતા અને સુશાસનના સિદ્ધાંતોને અડચણ ઊભી કરી તેને અવરોધી શકે છે, જેનાથી જનતા દ્વારા તેમના પર મૂકવામાં આવેલા બંધારણીય વિશ્વાસને નબળો પડી શકે છે.