ભારતને મોટી સફળતા, પંજાબમાં આતંક મચાવનારા હેપ્પી પાસિયાનું અમેરિકાથી પ્રત્યાર્પણ કરાશે
Khalistani Terrorist Happy Pasia Will Be Extradited From America: આતંકવાદ સામેની જંગમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તેવા અહેવાલ સામે આવ્યા છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તાજેતરમાં 26/11ના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો હતો, જ્યાં તપાસ એજન્સીઓ તેની સતત પૂછપરછ કરી રહી છે. તહવ્વુર રાણાએ NIA (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમજ પૂછપરછ દરમિયાન એ પણ સ્વીકાર્યું કે, 'હાં, હું પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો અને ખલીજ યુદ્ધ દરમિયાન સાઉદી અરબ મોકલવામાં આવ્યો હતો.'
એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય સુરક્ષા એજન્સીએ પુષ્ટિ કરી છે કે, પાસિયાને ટૂંક સમયમાં સુરક્ષા ઘેરામાં દિલ્હી એરપોર્ટ લાવવામાં આવશે.
કોણ છે હેપ્પી પાસિયા?
પોલીસના જણાવ્યા પ્રમાણે હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાએ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયા અને તેના અમેરિકામાં સ્થિત સાથીઓ દરમન કાહલોન અને અમૃત બાલ સાથે અપરાધની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તે અજનાલાના પાસિયા ગામનો રહેવાસી છે.
અમૃતસર જિલ્લાનો રહેવાસી પાસિયા એપ્રિલ 2018માં દુબઈ ગયો હતો અને ફેબ્રુઆરી 2019માં ભારત પાછો ફર્યો હતો. તે ઓક્ટોબર 2020માં લંડન ગયો અને પછી અમેરિકા જતો રહ્યો હતો. સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2023ની વચ્ચે પાસિયાએ રિંડા સાથે મળીને પંજાબમાં ખંડણી અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો: 'હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો...' 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!
સૂત્રોએ જણાવ્યું હતું કે, તેણે ડર પેદા કરવા માટે દારૂના કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને નિશાન બનાવ્યા હતા અને ખંડણી માટે ધમકીભર્યા ફોન કોલ કર્યા હતા. બીજી તરફ બટાલા અને અમૃતસરમાં દારૂની દુકાનો પર આગચંપી અને ગોળીબારની ઘટનાઓને અંજામ આપ્યો હતો.
હેપ્પી પાસિયાએ પંજાબમાં આતંક મચાવ્યો હતો
પોલીસે કહ્યું હતું કે, 'પાકિસ્તાનમાં રહેતો આતંકવાદી હરવિંદર રિંડાના સંપર્કમાં આવ્યા બાદ પસિયા ISIનો મહત્વપૂર્ણ એજન્ટ બની ગયો હતો. તેના આદેશ પર પંજાબમાં ટેરર મોડ્યૂલ્સ અલગ-અલગ આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા. સપ્ટેમ્બર 2024 બાદ રાજ્યમાં થયેલા મોટાભાગના આતંકવાદી હુમલાઓમાં પસિયા સીધી રીતે સામેલ રહ્યો છે. તે અમેરિકામાં રહીને આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યો હતો.'