'હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો...' 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડની કબૂલાત!
Tahawwur Rana: મુંબઈમાં થયેલા 26/11ના હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાએ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમજ પૂછપરછ દરમિયાન એ પણ સ્વીકાર્યું કે, 'હા, હું પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો અને ખલીજ યુદ્ધ દરમિયાન સાઉદી અરબ મોકલવામાં આવ્યો હતો.'
વધુમાં રાણાએ જણાવ્યું કે, 'લશ્કર-એ-તૈયબા ફક્ત એક આતંકી સંગઠન જ નહીં, પરંતુ એક જાસૂસી નેટવર્કની જેમ કામ કરે છે. મારા મિત્ર અને સાથીદાર ડેવિડ હેડલીએ લશ્કર માટે ઘણી વખત તાલીમ લીધી હતી.'
ISIને મદદ કરી હોવાની કબૂલાત
તહવ્વુર રાણાને મુંબઈમાં પોતાની ઇમિગ્રેશન ફર્મનું સેન્ટર ખોલવાનો વિચાર હતો અને આ અંગેના ખર્ચને તેણે બિઝનેસ ખર્ચ કહ્યો હતો. તેમજ કબૂલાત કરી કે, 'જ્યારે 2008માં 26/11નો હુમલો થયો ત્યારે હું મુંબઈમાં હાજર હતો અને સંપૂર્ણપણે આતંકવાદી કાવતરાનો ભાગ હતો. મેં મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા સ્થળોની રેકી કરી હતી અને ત્યારબાદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને હુમલો કરવામાં આવ્યો હતો.'
આ પણ વાંચો: યુટ્યુબર છોકરીના પ્રેમમાં પાગલ યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને આત્મહત્યા કરી લેતા હડકંપ
60 કલાક સુધી ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા
તહવ્વુર રાણા 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી ડેવિડ હેડલીનો નજીકનો મિત્ર છે. હેડલીએ પણ પૂછપરછ દરમિયાન રાણાનો ઉલ્લેખ કર્યો હતો. આ હુમલામાં 10 પાકિસ્તાની આતંકવાદીઓ અરબી સમુદ્રના રસ્તે મુંબઈ પહોંચ્યા હતા અને રેલવે સ્ટેશન, બે લક્ઝરી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. લગભગ 60 કલાક સુધી ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. રાણા પર હેડલી, લશ્કર-એ-તૈયબા, હરકત-ઉલ-જેહાદી ઇસ્લામી અને પાકિસ્તાન સાથે કાવતરું ઘડવાનો આરોપ છે.