મસ્કને મોટો ઝટકો! ‘સ્ટારલિંક ભારતની સુરક્ષા માટે મોટો ખતરો’, RSSના સંગઠને મંજૂરી ન આપવા કેન્દ્ર સરકારને કરી માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Elon Musk's Satellite Internet Controversy : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે તાજેતરમાં પોતાની સેટેલાઇટ બ્રોડબેન્ડ કંપની સ્ટારલિંકને ભારતમાં વેપાર કરવાની મંજૂરી ન મળવા પર સવાલ ઉઠાવ્યા હતા. આ મામલે તેમણે સવાલ ઉઠાવ્યો તો રાહુલ ગાંધીએ પણ તેને રીટ્વિટ કર્યો હતો. તેના પર વિવાદ વધતાં ભાજપે કહ્યું હતું કે, આખરે રાહુલ ગાંધીને વિદેશી વેપારીઓ જ કેમ પસંદ આવે છે? હવે આ મુદ્દે આરએસએસ સાથે જોડાયેલી સંસ્થા સ્વદેશી જાગરણ મંચ(SJM)નું પણ નિવેદન આવ્યું છે. સ્વદેશી જાગરણ મંચનું કહેવું છે કે, સ્ટારલિંકની સેટેલાઈટ બ્રોડબેન્ડ વ્યવસ્થાને ભારતમાં મંજૂરી મળવી જોઈએ નહીં, કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય નથી. સ્ટારલિંકે ભારતમાં કામકાજ માટે અરજી કરેલી છે, પરંતુ અત્યાર સુધી તેને મંજૂરી મળી નથી.
SJMએ મસ્કની આકરી ટીકા કરી
SJMએ આ બાબતે નિવેદન જાહેર કરીને મસ્કની આકરી ટીકા કરી છે. સંસ્થાનું કહેવું છે કે, મસ્કે ભારત સરકારને એ ન પૂછ્યું કે તેમની અરજી કેમ મંજૂર ન થઈ, પરંતુ તેના બદલે તેમણે સીધા ભારતના વેપારીઓ અને સરકાર પર હુમલો કરી દીધો. તેનો સીધો અર્થ એ છે કે સ્ટારલિંક ભારતમાં જરૂરી શરતો સાથે કામ કરવા માટે તૈયાર નથી.
દબાણ બનાવીને લાયસન્સ મેળવવાનો મસ્કનો પ્રયાસ
સ્વદેશી મંચે જણાવ્યું કે, એવું લાગે છે કે, કોઈપણ નિયમોનું પાલન કર્યા વિના જ મસ્ક દબાણ ઊભું કરીને લાયસન્સ મેળવવા માંગે છે અને આ જ બેચેનીમાં તેઓ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. આ ઉપરાંત મંચે સ્ટારલિંકની કામગીરી અને તેની ટૅક્નોલૉજીને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવી છે.
ડેટા સુરક્ષા અંગે સ્વદેશી જાગરણ મંચનું નિવેદન
મંચનું કહેવું છે, 'આ સમજવું જરૂરી છે કે સ્ટારલિંકની ટૅક્નોલૉજી ભારતની સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભો કરે છે. તેના દ્વારા તે સેટેલાઈટથી તમામ ડેટા એકત્રિત કરે છે. ત્યારબાદ તેને જમીન પર સ્થિત પોતાના સર્વર પર મોકલે છે. આ સર્વર ભારતની બહાર સ્થિત છે. ભારત સરકારે આ વાતની ચિંતા કરવી જોઈએ કે અહીંનો મહત્ત્વપૂર્ણ ડેટા ભારતીય ગેટવેની બહાર ન જાય. સ્ટારલિંકે ભારતના નિયમોનું પાલન કરીને જ કામ કરવું પડશે. જો તેના લાયસન્સને મંજૂરી નથી મળી રહી તો તે યોગ્ય ફોરમ પર વાત કરે. આ ઉપરાંત ભારતના નિયમોના પાલનનો ભરોસો પણ આપે.'
કાયદો-વ્યવસ્થા અને ઈન્ટરનેટ બંધ કરવા અંગે ચિંતા
આરએસએસ સાથે જોડાયેલા એસજેણ સંગઠનના નેતા અશ્વિની મહાજને આ મુદ્દાને કાયદો અને વ્યવસ્થા સાથે પણ જોડ્યો છે. સ્વદેશી જાગરણ મંચે પોતાના નિવેદનમાં કહ્યું, 'ભારત હાલમાં ઘણી પ્રકારની ગંભીર કાયદો-વ્યવસ્થાની પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી કોઈપણ અફવા આગનું રૂપ ધારણ કરી શકે છે. દેશવિરોધી નેરેટિવ ફેલાઈ શકે છે. આવા સંજોગોમાં ગમે ત્યારે નેટ બંધ કરવાની જરૂર પડે છે. આવામાં જો સ્ટારલિંકને આદેશ મળ્યો અને તેણે તેનું પાલન કરવામાં બેદરકારી દાખવી તો મુશ્કેલી ઊભી થશે. જો તેનું સર્વર જ ભારતની બહાર હશે તો પછી નેટ બંધ કરાવવામાં પડકાર સામે આવશે.'




