Bhuj Gambling Case: શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસે સક્રિયતા વધારી છે. ત્યારે, ભુજ શહેરના હિલ ગાર્ડન સામે આવેલી એક લક્ઝરી હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં IAS સહિતના રિટાયર્ડ અને વર્તમાન અધિકારીઓ પણ જુગાર રમતા ઝડપાયા હતા. જોકે, ફરિયાદમાં ક્યાંય કોઈના વ્યવસાય કે હોદ્દા અંગે કોઈ ખુલાસો કરાયો નથી પરંતુ, ઝડપાયેલા આરોપીઓના નામ બહાર આવતા ચકચાર મચી ગઈ હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સંડોવણી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં કચ્છના ડીડીઓ અને બાદમાં કલેક્ટર તરીકે પ્રમોશન મેળવી અન્ય જિલ્લામાં બદલી પામેલા એક નિવૃત્ત અધિકારી, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત અધિક્ષક ઈજનેર, નિવૃત્ત સુપરવાઇઝર, સ્ટેટ આઈબીમાં ફરજ બજાવી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર એએસઆઈનો સમાવેશ થાય છે. જેમાંથી ત્રણ પૈકી બે હાલ ભુજમાં માર્ગ અને મકાન વિભાગમાં ઈજનેર તરીકે અને એક રાપર બાજુ ઈજનેર તરીકે ફરજ બજાવે છે.
પોલીસ કાર્યવાહી સામે આક્ષેપ
નાના અમથા ગુનામાં જે પોલીસ પોતાનું પ્રમોશન કરવાની તક નથી છોડતી તે ભુજ પોલીસ આ હાઇપ્રોફાઇલ જુગારીઓના ફોટા પણ જાહેર નથી કરતી. આ સિવાય આવડા મોટા જુગાર ધામમાંથી પોલીસે જપ્ત કરેલા વાહનોમાં ફક્ત એક જ કાર ઝડપી હોવાનું દર્શાવાયું છે. પોલીસે દરોડામાં 24 હજારની દારૂની બે બોટલ અને ચાર ગ્લાસ જપ્ત કર્યા છે પરંતુ, દારૂના નશામાં ફક્ત બે જ લોકો હોવાનું દર્શાવ્યું છે. આ સિવાય બે આરોપીઓના નામમાં અટક પણ ખોટી લખવામાં આવી છે. આ બધા જ સવાલો પર પોલીસ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે.
શું હતી ઘટના?
ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે, મધરાત્રે લગભગ બાર વાગ્યાના અરસામાં હોટલના રૂમ નંબર 404માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે રૂમમાં પ્રવેશી ત્યારે ટેબલની આસપાસ ખુરશીઓમાં સાત શખ્સો ગંજીફાથી તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. ટેબલ પર મોંઘી વિદેશી બ્રાન્ડની સ્કૉચ વ્હિસ્કીની બે બોટલો અને પૈસાનો ઢગલો પડેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બે શખસો દારૂ પીધેલી હાલતમાં હતા. પોલીસે કુલ 15.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
લીસે ઘટનાસ્થળેથી સાત લોકોની ધરપકડ કરી હતી
- કિરીટ રમેશભાઈ પટેલ (ઉંમર 60, બેન્કર્સ કોલોની, ભુજ)
- ચંદ્રકાન્ત જાદવજી પટેલ (ઉંમર 65, ગોયલ ઈન્ટરસીટી, થલતેજ, અમદાવાદ)
- જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા (ઉંમર 54, મુંદરા રીલોકેશન સાઈટ)
- ચિરાગ બળદેવભાઈ ડોડીયા (ઉંમર 40, રજવાડી બંગ્લો, ભુજ)
- સંજય પ્રવિણભાઈ પટેલ (ઉંમર 40, ક્રિષ્ના નિવાસ, ભાવેશ્વરનગર, ભુજ)
- નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા (ઉંમર 34, ઓધવપાર્ક-02, પ્રમુખ સ્વામીનગર, ભુજ)
- અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર (ઉંમર 68, શિવકૃપાનગર, ભુજ)
પોલીસે દરોડા દરમિયાન, જુગારના પટમાંથી રૂ. 14,000 અને જુગારીઓની અંગઝડતીમાંથી રૂ. 1 લાખ રોકડા મળી કુલ રૂ. 1.14 લાખ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રૂ. 4.70 લાખના આઠ મોબાઈલ ફોન અને આરોપી ચિરાગ ડોડીયાની રૂ. 10 લાખની વોક્સવેગન કાર પણ જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દારૂ પીધેલા બે શખ્સો સામે અલગ ગુનો નોંધાયો
ઝડપાયેલા આરોપીઓમાંથી કિરીટ પટેલ અને જયેન્દ્રસિંહ ઝાલા દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેમના કબજામાંથી રૂ. 24,000ની કિંમતની વિદેશી બ્રાન્ડના દારૂની બે બોટલો મળી આવી હતી, જે જયેન્દ્ર ઝાલા દ્વારા લાવવામાં આવી હોવાનું ખુલ્યું છે. આથી પોલીસે બંને વિરુદ્ધ દારૂબંધી કાયદા હેઠળ અલગથી ગુનો નોંધ્યો છે.


