Get The App

9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી, બૅન્ક-પોસ્ટઑફિસ બંધ રાખવાની ચીમકી

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી, બૅન્ક-પોસ્ટઑફિસ બંધ રાખવાની ચીમકી 1 - image


Bharat Bandh: દેશના 10 કેન્દ્રીય વેપાર સંગઠનોએ સંયુક્ત ધોરણે આવતીકાલે 9 જુલાઈ, 2025ના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. જેમાં બૅન્કિંગ, કોલસા ખાણકામ, પોસ્ટ ઑફિસ, ઇન્સ્યોરન્સ કંપની અને પરિવહન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે. સરકારની 'કોર્પોરેટ-તરફેણ, મજૂર-વિરોધી અને ખેડૂત-વિરોધી' નીતિઓનો વિરોધ કરતાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જો કે, શાળાઓ, કૉલેજો અને ખાનગી ઑફિસો ખુલ્લી રહેશે, પરંતુ દેખાવોના કારણે ઘણા સ્થળો પર ટ્રાફિકની સમસ્યાઓ નડી શકે છે.

હડતાળની અસર: શું બંધ રહેશે?

બૅન્કો અને વીમા: જાહેર ક્ષેત્રની બૅન્કો અને વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાળ પર રહેશે, જેના કારણે વ્યવહારો અને ચેક ક્લિયરન્સ પર અસર પડી શકે છે. બૅન્ક યુનિયનો દ્વારા સેવાઓ આવતીકાલે બંધ રહેવાની અલગથી જાહેરાત થઈ નથી. પરંતુ હડતાળના આયોજકોનું કહેવું છે કે જાહેર ક્ષેત્ર અને સહકારી બૅન્કોના કર્મચારીઓ તેમાં સામેલ છે. જેથી તેઓ બંધ પાળશે.

ટપાલ સેવાઓ: પોસ્ટ ઑફિસ અને કુરિયર સેવાઓ ખોરવાઈ જવાની અપેક્ષા.

કોલસા ખાણકામ અને કારખાનાઓ: કોલ ઇન્ડિયા અને અન્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કામકાજ બંધ રહેશે.

આ પણ વાંચોઃ BIG BREAKING: અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો

શેરબજાર અને બુલિયન બજાર: શેર માર્કેટ અને બુલિયન બજાર બંને આવતીકાલે 9 જુલાઈના રોજ ખુલ્લા રહેશે.

જાહેર પરિવહન: ઘણા રાજ્યોમાં બસ અને ટેક્સી સેવાઓ પ્રભાવિત થશે, પરંતુ ખાનગી વાહનો ચાલુ રહેશે.

રેલ્વે: જોકે રેલ્વે યુનિયનોએ ઔપચારિક હડતાળનું એલાન કર્યું નથી, કેટલાક વિસ્તારોમાં વિરોધને કારણે સ્થાનિક ટ્રેનો પ્રભાવિત થઈ શકે છે.

કર્મચારીઓના વિરોધ પાછળના મોટા કારણ

  1. શ્રમ મંત્રીને 17 સૂચી માગપત્ર સોંપ્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી.
  2. 10 વર્ષથી વાર્ષિક લેબર કોન્ફરન્સ યોજાઈ નથી.
  3. નવા લેબર કોડ મારફત વેપાર સંગઠનોને નબળા બનાવવાનો પ્રયાસ
  4. કામના કલાકો વધ્યા, શ્રમિકોના અધિકારો ઘટ્યાની માગ
  5. ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટેક્ચ્યુઅલ નોકરીઓને પ્રોત્સાહનનો વિરોધ
  6. વધુ ભરતી અને સારા પગારની માગને નજરઅંદાજ
  7. યુવા બેરોજગારીનો મુદ્દો ઉકેલવો

ભારત બંધમાં સામેલ સંગઠન

  • ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)
  • સેન્ટર ઑફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU)
  • ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)
  • ટ્રેડ યુનિયન કોંગ્રેસ (TUC)
  • સેલ્ફ એમ્પ્લોય્ડ વિમન્સ ઍસોસિએશન (SEWA)
  • ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ટ્રેડ યુનિયન્સ (AICCTU)
  • હિન્દ મજદૂર સભા (HMS)
  • લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF)
  • યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC)

9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી, બૅન્ક-પોસ્ટઑફિસ બંધ રાખવાની ચીમકી 2 - image

Tags :