Get The App

મૃતકના 'આત્મા'ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
મૃતકના 'આત્મા'ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ 1 - image


Chhotaudepur Superstition News: એક તરફ દેશ ડિજિટલ અને આધુનિક યુગમાં હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ગુજરાતના આદિવાસી પટ્ટામાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ હજુ પણ સમાજ માટે લાલબત્તી સમાન છે. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મૃત્યુ પામેલા સ્વજનનો 'આત્મા' લેવા માટે પરિવારજનો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.

શું છે સમગ્ર ઘટના? 

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના ખોડીવલી ગામના એક રહેવાસીનું ત્રણ દિવસ પહેલા બીમારીના કારણે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આજે મૃતકનું સૂતક હોવાથી પરિવારજનોમાં એવી માન્યતા હતી કે મૃતકનો જીવ હોસ્પિટલમાં ભટકી રહ્યો છે. આ ભટકતા જીવને ઘરે પરત લઈ જવા માટે અંધશ્રદ્ધાથી પ્રેરાયેલા પરિવારજનો આજે હોસ્પિટલ પહોંચ્યા હતા.

મૃતકના 'આત્મા'ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ 2 - image

હોસ્પિટલના પટાંગણમાં તાંત્રિક વિધિ 

પરિવારજનો પોતાની સાથે બળવા (તાંત્રિક)ને પણ લાવ્યા હતા. સિવિલ હોસ્પિટલની બહાર જ આદિવાસી પરંપરા મુજબ વિધિ શરૂ કરવામાં આવી હતી. પરિવારના સભ્યો અને ભૂવો હોસ્પિટલના ગેટ પાસે ધૂણતા-ધૂણતા, પૂજા પાઠ કરતા અને તંત્ર-મંત્રના જાપ કરતા જોવા મળ્યા હતા. બળવાએ તાંત્રિક વિધિ પૂર્ણ કરી મૃતકનો આત્મા પોતાની સાથે લીધો હોવાનો દાવો કર્યો હતો અને ત્યારબાદ પરિવાર પરત ફર્યો હતો.

લોકો અને તબીબોમાં આશ્ચર્ય 

વિજ્ઞાન જ્યાં જીવન બચાવે છે તેવી હોસ્પિટલ જેવી જગ્યાએ જ અંધશ્રદ્ધાના આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર ડોક્ટરો, સ્ટાફ અને સામાન્ય નાગરિકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેણે ફરી એકવાર શિક્ષિત સમાજ અને તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે.

મૃતકના 'આત્મા'ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ 3 - image

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દાહોદની હોસ્પિટલમાં પણ આવી જ એક ઘટના બની હતી. આ વિસ્તારમાં વારંવાર બનતી આવી ઘટનાઓ સૂચવે છે કે લોકોમાં હજુ પણ જાગૃતિનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે.

Tags :