'સરકાર ઉથલાવવાનું કાવતરું હતું', દિલ્હી રમખાણો મામલે પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

Delhi Police In Supreme Court: દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં એક મોટું અને વિશિષ્ટ સોગંદનામું રજૂ કરતાં દાવો કર્યો છે કે, 2020ના દિલ્હી રમખાણો 'શાસન પરિવર્તન ઓપરેશન'નો ભાગ હતા. આ સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે આ રમખાણોને ફક્ત કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ગણવાને બદલે વધુ ઊંડાણમાં જઈને તેને રાજકીય હેતુઓ સાથેનું ઓપરેશન ગણાવ્યું છે. આ સોગંદનામું રમખાણો પાછળના કાવતરા અને હેતુઓની તપાસને નવી દિશા પ્રદાન કરે છે.
2020ના દિલ્હી રમખાણોના કાવતરા કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, મીરાં હૈદર, ગુલ્ફીશા ફાતિમા અને અન્ય લોકોના જામીનનો વિરોધ કરતાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં દિલ્હી પોલીસે હિંસાને એક સંકલિત 'શાસન પરિવર્તન ઓપરેશન'નો ભાગ ગણાવ્યો છે.
સોગંદનામામાં દાવો
સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો છે કે, રમખાણો અચાનક થયેલા દેખાવોનો ભાગ ન હતા, પરંતુ ભારતની અંદરની શાંતિ અને આંતરરાષ્ટ્રીય સ્થિતિને અસ્થિર કરવાનો ઇરાદાપૂર્વકનું ષડયંત્ર હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓએ આરોપીઓ વિરુદ્ધ સાંપ્રદાયિક આધાર પર રચવામાં આવેલા ષડયંત્ર સાથે જોડતાં સીધા, દસ્તાવેજી અને ટેક્નિકલ પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસનો દાવો છે કે નાગરિકતા (સુધારા) કાયદા (CAA) સામેની અસંમતિને હાથો બનાવી ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા પર હુમલો કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
CAAની આડમાં ભારતની શાંતિ ખોરવવાનું ષડયંત્ર
સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો છે કે CAAના વિરોધની આડમાં ભારતની શાંતિ ખોરવવાનું અને આંતરરાષ્ટ્રીય છબિ ખરાબ કરવાનું ષડયંત્ર હતું. CAAને મુસ્લિમ વિરોધી કાયદો તરીકે રજૂ કરી અશાંતિ ફેલાવી હતી. આ ષડયંત્ર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન ઘડવામાં આવ્યું હતું. જેનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશોનું ધ્યાન ખેંચવા અને દેશને નકારાત્મક રીતે રજૂ કરવાનો હતો.
દિલ્હી પોલીસ દ્વારા જામીનનો વિરોધ
દિલ્હી પોલીસે ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, મીરાં હૈદર અને ગુલ્ફીશા ફાતિમા સહિતના અરજદારો પર નકામી અરજીઓ અને સંગઠિત અસહકાર દ્વારા ટ્રાયલની કાર્યવાહીમાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ પણ મૂક્યો છે. સોગંદનામામાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ નીચલી કોર્ટને આરોપો ઘડવા અને ટ્રાયલ શરુ કરતાં અટકાવવા માટે કામગીરીનો સ્પષ્ટપણે દુરુપયોગ કર્યો હતો. કાર્યવાહીમાં વિલંબ તપાસ એજન્સીઓને કારણે નહીં, પરંતુ આરોપીઓને કારણે થયો હતો. તેમને જામીન મળવા જોઈએ નહીં.
જામીન નહીં, જેલની સજા કરવાનો નિયમ
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ(UAPA)નો ઉલ્લેખ કરીને, દિલ્હી પોલીસ આગળ જણાવે છે કે આતંકવાદ સંબંધિત ગંભીર ગુનાઓ માટે જામીન નહીં, જેલનો નિયમ છે. આરોપીઓ ગુનાના પ્રારંભિક પુરાવાને ખોટા સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે અને ગુનાની ગંભીરતા ટ્રાયલમાં વિલંબને કારણે મુક્તિને મંજૂરી આપતી નથી. અધિકારીઓએ સાક્ષીઓની અનિયંત્રિત યાદીના દાવાઓને ફગાવી દેતાં સ્પષ્ટતા કરી છે કે ફક્ત 100-150 સાક્ષીઓની જરૂર છે અને જો આરોપી સહકાર આપે તો ટ્રાયલ ઝડપથી પૂર્ણ થઈ શકે છે.



