Bengal Governor Unveils Own Statue: પશ્ચિમ બંગાળના રાજ્યપાલે રાજભવનમાં પોતાની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. રાજ્યપાલ સીવી આનંદ બોઝે કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવા પર શનિવારે (23મી નવેમ્બર ) તેમની જ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણ અને ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ માવલે વિવાદ ઊભો થયો છે. આ અંગે લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. ઘણાં લોકો કહે છે કે રાજ્યપાલ પોતાના જ મહિમામાં વ્યસ્ત છે.
વીડિયો વાયરલ થતા તૃણમૂલે સાધ્યું નિશાન
સીવી આનંદ બોઝની પ્રતિમાના અનાવરણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જને લઈને તૃણમૂલ (TMC)એ કહ્યું, 'અમે આ પહેલા ક્યારેય સાંભળ્યું ન હતું. તે પ્રસિદ્ધિના ભૂખ્યા છે. હવે આગળ શું થશે? શું તે તેની પ્રતિમાને હાર પહેરાવશે? હવે તેઓએ ગળાનો હાર પણ પહેરવો જોઈએ.'
તૃણમૂલના પ્રવક્તા જયપ્રકાશ મજુમદારે કહ્યું કે, 'રાજ્યપાલ મોઘલોની જેમ કામ કરી રહ્યા છે.' આ ઉપરાંત સીપીએમ સેન્ટ્રલ કમિટીના સભ્ય સુજન ચક્રવર્તીએ કહ્યું, 'આ ખૂબ જ અપમાનજનક છે. આ પણ આપણા રાજ્યની કમનસીબી છે. બંગાળની સંસ્કૃતિ સાથે પણ ગંદી રમત રમાઈ રહી છે.'
આ પણ વાંચો: યુપીમાં જોરદાર બબાલ, સંભલમાં જામા મસ્જિદનું સરવે કરવા પહોંચેલી ટીમ પર ભારે પથ્થરમારો
સૂત્રોના જણાવ્યાનુસાર, પાર્થ સાહા નામના કલાકારે રાજ્યપાલને આ પ્રતિમાં ભેટ કરી હતી. તેમણે રાજ્યપાલના ફોટોગ્રાફના આધારે આ ફાઈબરની પ્રતિમા બનાવી છે. તેઓ ક્યારેય રાજ્યપાલને રૂબરૂ મળ્યા ન હતા. રાજ્યપાલ કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે તેમણે પોતે તેમની પ્રતિમા નથી બનાવી પરંતુ એક કલાકારે રજૂ કરી છે. જ્યારે ટીએમસીએ આની સામે વાંધો ઊઠાવ્યો અને કહ્યું કે, 'જીવિત રહીને રાજ્યપાલ પોતાનું મહિમા કરવા માટે પોતાની પ્રતિમા સ્થાપિત કરાવી રહ્યા છે.'


