ભ્રામક જાહેરાતો મામલે સુપ્રીમકોર્ટે બાબા રામદેવનો ઉધડો લઈ નાખ્યો, કેન્દ્રને પણ લગાવી જોરદાર ફટકાર

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
ભ્રામક જાહેરાતો મામલે સુપ્રીમકોર્ટે બાબા રામદેવનો ઉધડો લઈ નાખ્યો, કેન્દ્રને પણ લગાવી જોરદાર ફટકાર 1 - image


- રામદેવ-બાલકૃષ્ણે સુપ્રીમમાં હાજર થઇ માફી માગી

- ભ્રામક જાહેરાતો નહીં આપીએની ખાતરી છતા તેનું ઉલ્લંઘન કર્યું છે, કેન્દ્રએ પણ કાર્યવાહી ના કરી : સુપ્રીમ

- સુપ્રીમે કેન્દ્ર-રાજ્ય પાસેથી જવાબ માગ્યો, 10મીએ સુનાવણી, માફી ફગાવી રામદેવને ફરી હાજર રહેવા આદેશ

નવી દિલ્હી : લોકોને ગેરમાર્ગે દોરનારી ભ્રામક જાહેરાતોના કેસમાં પતંજલીના બાબા રામદેવ અને બાલક્રૃષ્ણ બન્ને સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ બન્ને સામે સુપ્રીમમાં કેસ ચાલી રહ્યો છે. રામદેવ અને બાલકૃષ્ણએ આ મામલે માફી માગી હતી. જોકે સુપ્રીમે તેને નકારી દીધી હતી અને કહ્યું હતું કે આકરા પગલા માટે તૈયાર રહો, માત્ર મૌખીક માફીથી નહીં ચાલે. સાથે જ કેન્દ્ર સરકારને પણ સવાલ કર્યો હતો કે આ કેસમાં તમે કોઇ કાર્યવાહી કેમ ના કરી, કેમ આંખો બંધ રાખી.  

૧૯ માર્ચે સુપ્રીમ કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને હાજર થવા આદેશ આપ્યો હતો અને સવાલ કર્યો હતો કે તમારી સામે કેમ અવમાનનાનો કેસ ના ચલાવવામાં આવે તેનો જવાબ રજુ કરવામાં આવે. સુપ્રીમના ન્યાયાધીશ હીમા કોહલી અને ન્યાયાધીશ અહસાનુદ્દીન અમનુલ્લાહ સમક્ષ બન્ને મંગળવારે હાજર થયા હતા. ઇન્ડિયન મેડિકલ અસોસિએશને પતંજલી સામે પીટિશન ફાઇલ કરી છે જેમાં એલોપેથી પર રામદેવના આરોપો અને પતંજલીની દવાઓ કોરોના સહિતની બીમારી ઠીક કરતી હોવાના દાવા સામે દલીલો કરાઇ હતી. સુપ્રીમ કોર્ટમાં  બાબા રામદેવે કોઇ પણ પ્રકારની શરત વગર માફી માગી હતી. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે મોખીક માફીનો સ્વીકારવા તૈયાર નથી. 

સુપ્રીમે સવાલ કર્યો હતો કે તમે લોકોએ કોર્ટમાં સોગંદનામુ આપ્યું હતું કે તમે જાહેરાતો નહીં કરો છતા રામદેવની તસવીર સાથે જાહેરાતો આપવામાં આવી, પ્રેસ કોન્ફરંસ પણ કરવામાં આવી. તમારી માફીથી કામ નહીં ચાલે, નીચલી કોર્ટ હોય કે સુપ્રીમ તમામ કોર્ટોના આદેશોનું પાલન કરવુ જ પડશે. તમે સોરી કહી રહ્યા છો, તમારી આ માફીનો સ્વીકાર ના કરવા બદલ અમે પણ સોરી કહીએ છીએ. તમારી માફી માત્ર લિપ સર્વિસ કે માત્ર દેખાડો છે. આકરા પગલા માટે તૈયાર રહો.  આ મામલામાં કેન્દ્ર સરકાર દ્વારા પણ કોઇ જ પગલા લેવામાં ના આવ્યા. અમને જાણીને આશ્ચર્ય થયું કે કેન્દ્રએ પોતાની આંખો બંધ કરી લીધી. આ મામલે હવે બાબા રામદેવને સોગંદનામુ રજુ કરવા કહ્યું છે, સાથે જ પતંજલીની ભ્રામક જાહેરાતો અને દાવા અંગે શું કાર્યવાહી કરવામાં આવી તે મુદ્દે કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ સરકાર પાસેથી જવાબ માગ્યો છે. આગામી સુનાવણી હવે ૧૦મી એપ્રીલે કરવામાં આવશે. સાથે જ સુપ્રીમ કોર્ટે રામદેવને ફરી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.  


Google NewsGoogle News