Get The App

શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી 1 - image


India-Bangladesh Controversy : હિંસા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશી સરકારે શેખ હસીના મામલે ભારતને ચેતવણી આપી છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દિલ્હીમાં એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું છે, જેના કારણે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત સામે સખત શબ્દોમાં વાંધો ઉઠાવ્યો છે. ઢાકાએ આ મામલે આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કરતા ભારત સરકારને ચેતવણી આપી છે.

યુનુસ સરકારે હસીના પર હિંસા ભડકાવવાનો આક્ષેપ કર્યો

બાંગ્લાદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ‘માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠરેલા શેખ હસીનાએ 23 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વર્તમાન સરકારને ઉખેડી ફેંકવાની વાત કરી હતી. હસીનાએ તેમના સમર્થકો અને સામાન્ય જનતાને હિંસા તેમજ આતંકવાદ માટે ઉકસાવ્યા છે, જે બાંગ્લાદેશની શાંતિ, સુરક્ષા અને લોકશાહી પ્રક્રિયા માટે ગંભીર ખતરો છે.’

ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર 

બાંગ્લાદેશમાં આગામી 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નસીરુદ્દીને ગયા વર્ષે જ આ તારીખોની જાહેરાત કરી હતી. વચગાળાની સરકારનું માનવું છે કે, શેખ હસીનાના આવા ભડકાઉ નિવેદનો આગામી ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાના ષડયંત્રનો એક ભાગ છે.

બાંગ્લાદેશે ભારત પર નિશાન સાધ્યું

ઢાકાએ ભારત પર નિશાન સાધતા કહ્યું છે કે, ‘વારંવારની વિનંતીઓ અને દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હોવા છતાં ભારતે શેખ હસીનાને સોંપ્યા નથી. તેના બદલે તેમને ભારતીય ધરતી પરથી બાંગ્લાદેશ વિરુદ્ધ બોલવાની મંજૂરી આપી છે, જે સાર્વભૌમત્વ અને સારા પડોશી સંબંધોના સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેનાથી અમારી જનતાનું અપમાન થયું છે.’

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ હત્યા! ગેરેજમાં સૂતા યુવકને જીવતો સળગાવી દીધો

...તો ભારત સાથે સંબંધો જાળવી રાખવા મુશ્કેલ

બાંગ્લાદેશ સરકારે ચેતવણી આપી છે કે, આ ઘટના ભારત-બાંગ્લાદેશના સંબંધો માટે એક ખતરનાક ઉદાહરણ સાબિત થઈ શકે છે. જો ભારત સરકાર આવા નિવેદનો રોકવામાં નિષ્ફળ રહેશે, તો ભવિષ્યમાં ચૂંટાયેલી નવી સરકાર માટે ભારત સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા મુશ્કેલ બનશે. ઉલ્લેખનીય છે કે શેખ હસીનાની સરકાર પડ્યા બાદ હાલમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર દેશનો વહીવટ સંભાળી રહી છે.

આ પણ વાંચો : બંકરમાં સુપ્રીમ લીડર અને દરિયામાં અમેરિકી જહાજો: શું ઈરાન પર તોળાઈ રહ્યો છે મહાયુદ્ધનો ખતરો?