Bangladesh Hindu Violence : બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ સતત હિંસા વધી રહી છે. એક બાદ એક હિન્દુઓની હત્યાના કેસ સામે આવી રહ્યા છે. એવામાં હાલમાં જ બાંગ્લાદેશના નરસિંગદી જિલ્લામાં 23 વર્ષના ચંચલ ચંદ્ર ભૌમિક ઊંઘમાં જ જીવતો સળગાવી દેવાયો. ચંચલ એક ગેરેજમાં કામ કરતો હતો. ઢાકાથી 50 કિમી દૂર અજ્ઞાત હુમલાખોરોએ તેને મોતને ઘાટ ઉતાર્યો.
ચંચલની મોત બાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા મામલે ફરી ગંભીર સવાલ ઊભા થયા છે. ચંચલ ખાનાબાડી મસ્જિદ પાસે એક ગેરેજમાં કામ કરતો હતો. રાત્રિના સમયે અજ્ઞાત હુમલાખોરોએ ગેરેજને જ આગને હવાલે કરી દીધી. પેટ્રોલ અને ઓઈલ જેવી વસ્તુઓ ગેરેજમાં પડી હોવાથી જોતજોતામાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી.
ગેરેજ પાસેના સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. જે બાદ પોલીસે આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
2022ની વસતી ગણતરી અનુસાર બાંગ્લાદેશમાં 1 કરોડ અને 30 લાખ હિન્દુઓ રહે છે. હિન્દુઓની સંખ્યા કુલ વસતીના 7.95 ટકા છે. આ ઘટનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.


