Bangladesh Violence: બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ તોફાનીઓએ અડધી રાત્રે ત્યાંની મીડિયા સંસ્થાઓના કાર્યાલયમાં ઘુસીને હોબાળો મચાવ્યો હતો. તોફાનીઓએ બાંગ્લાદેશના અંગ્રેજી દૈનિક અખબારની ઑફિસમાં આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન બિલ્ડિંગની છત પર ડઝનબંધ પત્રકારો ત્રણ કલાક સુધી ફસાયેલા રહ્યા.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં મુખ્ય આંદોલનકારી નેતાના મોત બાદ ફરી ભડકો, 4 શહેરોમાં હિંસા-તોડફોડ-આગચંપી
મળતી માહિતી મુજબ, અખબારની ઑફિસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. તોફાનીઓએ બીજા એક બાંગ્લાદેશી અખબાર, પ્રથમ આલોની ઑફિસને પણ બાળી નાખી હતી. આ હુમલો અખબારના કારવાન બજાર કાર્યાલય પર થયો હતો, ત્યારબાદ નજીકના પ્રથમ આલો બિલ્ડિંગમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. એક પત્રકારના જણાવ્યા અનુસાર, બહારથી એક ફોન કૉલ આવ્યો હતો, જેમાં સ્ટાફને ચેતવણી આપવામાં આવી હતી કે, એક ટોળું ધ ડેઇલી સ્ટારના પરિસર તરફ આગળ વધી રહ્યું છે.
નીચે આગ અને 9મા માળે 28 પત્રકારો ફસાયા
ન્યૂઝરૂમના કર્મચારીઓએ શરુઆતમાં ભાગી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ટોળું બિલ્ડિંગના નીચેના માળે પહોંચી ગયું હતું અને ત્યાં તોડફોડ કરી અને બાદમાં કેટલાક ભાગોમાં આગ લગાવી દીધી. અહેવાલો અનુસાર, જ્યારે વિરોધીઓએ ઑફિસના નીચેના ભાગમાં આગ લગાવી, ત્યારે ઇમારતમાંથી ધુમાડાના ગોટા નીકળ્યા, જેના કારણે પત્રકારો બહાર નીકળી શક્યા નહીં. ત્યારબાદ પત્રકારોનું એક જૂથ 9મા માળના ટેરેસ પર ગયું. જ્યાં 28 લોકો હતા. થોડા સમય પછી, બિલ્ડિંગમાં એક કેન્ટીન કર્મચારી નીચે ઉતરવા માટે ફાયર એસ્કેપ સીડીનો ઉપયોગ કર્યો. જમીન પર પહોંચતા જ, ટોળાએ તેને પકડી લીધો અને માર માર્યો. આ ઘટના પછી, બીજા કોઈએ સીડીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો નહીં.
ત્યારબાદ ફાયરના જવાનો આવ્યા અને નીચેના માળે લાગેલી આગને કાબુમાં લીધી અને ચાર ફાયર વિભાગના કર્મચારીઓએ ઉપર ફસાયેલા લોકોને નીકાળવા છત પર ગયા. જોકે, નીચે તોડફોડ શરુ હોવાના કારણે પત્રકારોએ નીચે આવવાનો ઇન્કાર કર્યો. વળી, નીચેની બિલ્ડિંગમાં પણ આગ લાગેલી હતી. તેથી પત્રકારોએ ઉપર રહેવાનું જ યોગ્ય માન્યું અને છતનો દરવાજો બંધ કરી દીધો.
તોફાનીઓએ ઉપર ચઢવાનો કર્યો પ્રયાસ
ફાયર વિભાગના સ્ટાફે પત્રકારોને વિશ્વાસ અપાવ્યો અને કહ્યું કે, આર્મી જવાન બિલ્ડિંગની બહાર હાજર છે. પરંતુ, જ્યારે અમુક તોફાનીઓ છત પર આવી ગયા અને દરવાજો ખખડાવવા લાગ્યા તો ત્યાં હાજર પત્રકારો અને ફાયરના કર્મચારીઓ ગભરાઈ ગયા. આ દરમિયાન પત્રકારોએ મદદની રાહ જોતા ત્યાં હાજર છોડના કૂંડા વડે દરવાજો બંધ રાખવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચોઃ VIDEO: અમેરિકાના નોર્થ કેરોલિનામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ, 7 લોકોના દર્દનાક મોત
ત્યારબાદ એડિટર્સ કાઉન્સિલના પ્રેસિડન્ટ અને ન્યૂ એજના એડિટર નૂરુલ કબિર, ફોટોગ્રાફર શાહિદુલ આલમની સાથે ભીડને શાંત કરવાના પ્રયાસ માટે બિલ્ડિંગની સામે ગયા. જોકે, બાદમાં નૂરુલ કબીર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. પત્રકારોના જણાવ્યાનુસાર, સૈનિકોએ પાછળથી એક સીડી ખોલી, જેનો ઉપયોગ હુમલાખોરોએ બિલ્ડિંગમાં પ્રવેશવા અને તોડફોડ અને લૂંટ ચાલુ રાખવા માટે કરતા હતા.
અમે નસીબદાર...
આ દરમિયાન છત પર અને બિલ્ડિંગની અંદર ફસાયેલા ડેઇલી સ્ટારના સ્ટાફને ફાયર-એક્ઝિટ સીડીથી નીચે ઉતારવામાં આવ્યા અને બિલ્ડિંગની પાછળના રસ્તે બહાર કાઢવામાં આવ્યા. એક પત્રકારે કહ્યું કે, 'અમે નસીબદાર હતા, અમે એક મોટી આફતમાંથી બચી ગયા. મને નથી ખબર કે, દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે.'
નોંધનીય છે કે, આ ઘટના બાદ જાણીતા અખબારનો ન્યૂઝ રૂમ બળીને ખાખ થઈ ગયો છે. આ ગ્રૂપે હાલ અખબારોનું ફિઝિકલ અને ઓનલાઇન પ્રકાશન બંધ કરવાનો નિર્ણય લીધો છે.
વળી, ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશના મુખ્ય પ્રશાસક મોહમ્મદ યુનુસે રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોહમ્મદ યુનુસે કહ્યું કે, 'આ ક્રૂર હત્યામાં સામેલ તમામ ગુનેગારો જલ્દીમાં જલ્દી ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમને મહત્તમ સજા આપવામાં આવશે. આ મામલે કોઈ નરમાશ દાખવવામાં નહીં આવે. હું એકવાર ફરી સ્પષ્ટરૂપે કહેવા ઇચ્છુ છું કે, ઉસ્માન દાદી પરાજિત તાકતો, ફાસીવાદી આતંકવાદીઓના દુશ્મન હતા. તેમનો અવાજ દબાવવા માટે ક્રાંતિકારીઓને ડરાવવાનો નાપાક પ્રયાસ સંપૂર્ણપણે વિફળ કરવામાં આવશે. કોઈપણ ડર, આતંક અથવા રક્તપાત આ દેશની લોકશાહી પ્રગતિને રોકી નહીં શકે.'
જણાવી દઈએ કે, 12 ડિસેમ્બરે ઇન્કલાબ મંચના નેતા ઉસ્માન દાદીને અજાણ્યા લોકોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી.


