15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મુદ્દે દિલ્હી સરકારનો યુ-ટર્ન, હવે નવી પોલિસી બનાવાશે
Delhi pauses fuel ban on old vehicles: નવી દિલ્હીમાં 1 જુલાઈથી લાગુ ઍન્ડ ઑફ લાઇફ વ્હિકલ (ELV) પોલિસી હેઠળ વાહનોને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ નવી દિલ્હીમાં લાગુ કરવામાં આવેલા ELV નિયમ મુદ્દે પ્રદૂષણ વિભાગના CAQM(કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ)ને ઔપચારિક પત્ર લખી તેની પ્રમુખ ખામીઓ ઉજાગર કરી તેને પાછો ખેંચવાનો નિર્ણય જણાવ્યો હતો. જેથી આ નિયમની પુનઃસમીક્ષા કરવાની માગ ઊભી થઈ છે.
સરકારે જણાવ્યું કે, વર્તમાનમાં દિલ્હીમાં આ નિયમ લાગુ કરવો અસંભવ છે. કારણકે, પ્રજાને તેનાથી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વ્યવહારિક ધોરણે પડકારો નડી રહ્યા હોવાથી જ્યાં સુધી સમગ્ર NCRમાં આ નિયમ સમાન રૂપે લાગુ નહીં થાય ત્યાં સુધી દિલ્હીમાં તેનો અમલ કરાશે નહીં. જેથી હવે 15 વર્ષ જૂના વાહનોને ફરી પેટ્રોલ-ડીઝલ મળશે. રાજ્ય સરકારે આ નિયમ હેઠળ 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ લાદતા પેટ્રોલ-ડીઝલ આપવાનો મનાઈ કરતો હુકમ રજૂ કર્યો હતો.
પ્રદૂષણ ઘટાડવા લાદી હતી પોલિસી
પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે 10 વર્ષ જૂના ડીઝલ તેમજ 15 વર્ષ જૂના સીએનજી અને પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકતી પોલિસી જાહેર કરી હતી. જે અંતર્ગત આ વાહનોને પેટ્રોલ-ડીઝલ કે ગેસ આપવાની મનાઈ કરવામાં આવી હતી. જો કે, પોલિસીમાં અનેક ખામીઓ હોવાની ફરિયાદો તેમજ સ્થાનિકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં લેતાં તેને રદ કરવા નિર્ણય લીધો છે.
દિલ્હી સરકારની નવી પોલિસીના નિયમો
- 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ-CNG વાહનોની ઓળખ કરી તેને ફરિજ્યાતપણે સ્ક્રેપમાં મોકલવાનો હતો નિર્ણય
- 400 પેટ્રોલ પંપ પર ANPR કેમેરાની મદદથી જૂના વાહનોની ઓળખ કરી ઇંધણ ન આપવા જાહેર કર્યો હતો હુકમ
- 200 ટીમો તહેનાત કરાઈ
- ફોર-વ્હિલર માટે રૂ.10 હજાર, ટુ-વ્હિલર માટે રૂ.5 હજારનો ખર્ચે + સ્ક્રેપિંગ ફીસ
- પહેલા જ દિવસે 12 કાર, 67 ટુ-વ્હિલર જપ્ત કરાયા
સમીક્ષા બાદ નવી પોલિસી લાગુ કરાશે
રાજ્યના કેબિનેટ મંત્રી પ્રવેશ વર્માએ આ પોલિસી પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો પહેલાંથી જ ટ્રાફિક અને પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. એવામાં આ પ્રકારનો નિયમ લાગુ કરવાથી પ્રજાને મુશ્કેલીઓ પડી રહી છે. ગાડીઓને તેની વયના આધારે નહીં, પણ પોલ્યુશન સ્ટેટ્સના આધારે અટકાવવી હિતાવહ રહેશે. આ મુદ્દે દિલ્હી સરકાર અને CAQM વચ્ચે બેઠક થવાની છે. જેના પર સમીક્ષા કરી નવી પોલિસી લાગુ કરવામાં આવશે.