શ્વાને દૂષિત કરેલુ મિડ ડે મિલ બાળકોને પીરસ્યું, 78 વિદ્યાર્થીને એન્ટી રેબિઝ ઈન્જેક્શન અપાયા
Chhattisgarh Mid Day Meal: છત્તીસગઢના બલૌદા બજારમાં સ્થિત સરકારી શાળામાં મિડ-ડે મીલને રખડતાં શ્વાને દૂષિત કરી દીધુ હોવા છતાં બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ વાતનો ખુલાસો થતાં સાવચેતીના ભાગરૂપે 78 બાળકોને એન્ટી-રેબિઝ વેક્સિન અપાઈ હતી. સ્વાસ્થ્ય વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ અનુસાર, આ ઘટના પલારી બ્લોક હેઠળ આવતા લચ્છનપુરમાં આવેલી સ્કૂલમાં બની હતી. 29 જુલાઈના રોજ શાળામાં તૈયાર કરવામાં આવેલા મિડ-ડે મિલનું શાક રખડતાં શ્વાને દૂષિત કર્યું હતું. અમુક વિદ્યાર્થીઓએ આ વાત શિક્ષકોને જણાવી હતી. ત્યારબાદ શિક્ષકોએ ભોજન પીરસવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ મિડ-ડે મિલ તૈયાર કરનારા સ્વ-સહાયતા જૂથે આ વાતની અવગણના કરતાં કહ્યું કે કૂતરાએ આવું કંઇ કર્યું નથી કે શાકભાજી પણ બગાડ્યાં. ત્યારબાદ બાળકોને ભોજન પીરસી દેવાયું હતું.
આ પણ વાંચોઃ 'કોઈ માનવા તૈયાર નથી કે પહલગામ હુમલો પાકિસ્તાને કર્યું....' દિગ્ગજ નેતાના નિવેદનથી વિવાદ
84 વિદ્યાર્થીઓએ દૂષિત ભોજન લીધું
સરકારી શાળાના આશરે 84 વિદ્યાર્થીઓએ દૂષિત ભોજન લીધુ હતું. જ્યારે બાળકોએ પોતાના ઘરે આ ઘટના વિશે જાણ કરી તો પરિવારજનો ગામની શાળામાં પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો. શાળાની વહીવટી સમિતિના અધ્યક્ષ ઝલેન્દ્ર સાહૂ સહિત અનેક લોકોએ શાળા પહોંચી ઘટનાની જાણકારી મેળવી હતી. તેમજ સ્વ સહાયતા જૂથ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ત્યારબાદ પરિવારજનો બાળકોને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ ગયા હતાં. જ્યાં સાવચેતીના ભાગરૂપે એન્ટી-રેબિઝ વેક્સિન આપી હતી. લચ્છનપુર સ્વાસ્થ્ય કેન્દ્ર પ્રભારી વીણા વર્માએ જણાવ્યું હતું કે, વેક્સિન બાળકોને માત્ર સાવચેતીના ભાગરૂપે આપવામાં આવી હતી. કોઈ ચેપની ખાતરી થઈ નથી. પહેલા ડોઝની કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી.
ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવા આદેશ
ગામના અભિભાવકો, ગામના લોકો અને શાળાના વહીવટી સમિતિએ ભેગા મળીને બાળકોને એન્ટી-રેબિઝ વેક્સિન આપવાનો નિર્ણય લીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં એસડીએમ દીપક નિકુંજ, બ્લોક શિક્ષણ અધિકારી નરેશ વર્મા અને અન્ય અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી હતી. બાળકો, અભિભાવકો, શિક્ષકો અને વહીવટી સમિતિના સભ્યોના નિવેદન નોંધ્યા હતાં. સ્વ-સહાયતા જૂથના સભ્યો તપાસ દરમિયાન ઉપસ્થિત રહ્યા ન હતાં. આ મામલે વિસ્તારના ધારાસભ્ય સંદીપ સાહૂએ મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયને પત્ર લખી ઉચ્ચ સ્તરની તપાસ હાથ ધરી દોષિતોને આકરી સજા આપવાની માગ કરી છે. તેમણે એ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો કે, બાળકોને એન્ટી-રેબિઝ ઈન્જેક્શન આપવાના આદેશ ક્યાં સ્તર પર આપવામાં આવ્યો હતો.