અંતિમ સંસ્કારમાં ભાજપના બે દિગ્ગજોના દીકરા અને સમર્થકો વચ્ચે માથાકૂટ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
Fight in Funeral in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બલિયામાંથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં બે ભાજપના નેતાઓની માથાકૂટ મારપીટ સુધી પહોંચી ગઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અંતિમ સંસ્કારમાં ઉગ્ર બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો
પ્રાથમિક જાણકારી અનુસાર, બલિયામાં ભાજપના પૂર્વ સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તના પુત્ર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. કહેવાય છે કે ગઈકાલે બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંતિમ સંસ્કાર સ્થળે સુરેન્દ્ર સિંહ અને પૂર્વ સાંસદના પુત્ર વિપલેન્દ્ર હાજર હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો એટલો વણસ્યો કે બંને પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી.
બે જૂથો વચ્ચે અથડામણ: પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યના પુત્રો ઘાયલ
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં પૂર્વ ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ અને પૂર્વ સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના કુલ આઠ લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો: 'ઓપરેશન સિંદૂર' અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો, 12 વાગ્યા સુધી સ્થગિત
બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હુકુમ છપરા ઘાટ પર અંતિમ સંસ્કાર પર કોઈક બાબતે પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ અને પૂર્વ સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તના પુત્ર વિપલેન્દ્ર પ્રતાપ સિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી.
આ મારામારીમાં લાકડીઓ અને પથ્થરોનો ઉપયોગ થયો હતો. સુરેન્દ્ર સિંહ, તેમના પુત્ર વિદ્યાભૂષણ ઉર્ફે હજારી સિંહ સહિત ચાર લોકો એક પક્ષેથી જ્યારે વિપલેન્દ્ર સિંહ સહિત ચાર લોકો બીજા પક્ષેથી ઘાયલ થયા હતા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.