પ. બંગાળમાં આજે બાબરી મસ્જિદનો પાયો નાખશે હુમાયુ કબીર, કહ્યું - સરકાર પાસેથી 1 રૂપિયો નહીં લઉં...

Image: Facebook- Humayun Kabir |
West Bengal Babari Masjid News: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર બાબરી મસ્જિદના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદની શૈલીમાં બનનારી નવી મસ્જિદના શિલાન્યાસ સમારોહ પહેલાં લોકોને સંબોધિત કરતા કબીરે જાહેરાત કરી કે તેઓ મસ્જિદના નિર્માણ માટે સરકાર પાસેથી એક પણ રૂપિયો નહીં લે.
આ પણ વાંચોઃ ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
80 કરોડ એકઠાં કરીશ પણ...
કબીરે સ્પષ્ટપણે જણાવ્યું કે, "જો હું સરકારી ધન લઈશ તો બાબરી મસ્જિદની પવિત્રતા પર અસર પડશે." શનિવારે સવારે બાબરી શૈલીની મસ્જિદના શિલાન્યાસ સમારોહમાં હાજર જનસમુદાયને સંબોધતા હુમાયૂં કબીરે કહ્યું કે "માલદા, મુર્શિદાબાદ અને દક્ષિણ 24 પરગણાના લોકો બાબરી મસ્જિદના નિર્માણમાં યોગદાન આપશે. મારી પાસે મસ્જિદ બનાવવા માટે 25 વીઘા જમીન છે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અમને રોકી રહ્યું છે. અમને સરકારી ધનની જરૂર નહીં પડે. હું તે વ્યક્તિનું નામ નહીં લઉં, જેણે અમને મસ્જિદ બનાવવા માટે રૂ. 80 કરોડ આપવા માટે સહમતિ આપી છે." કબીરે ભારપૂર્વક જણાવ્યું કે તે સરકાર પાસેથી એક રૂપિયો પણ નહીં લે, કારણ કે તેનાથી મસ્જિદની પવિત્રતા અખંડ નહીં રહે.
શપથ અને TMC માંથી સસ્પેન્શન
હુમાયુ કબીર શનિવારે સવારે મુર્શિદાબાદના બેલડાંગા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, બપોરે 12 વાગ્યા પછી કુરાનનું પઠન કરવામાં આવશે અને ત્યારબાદ મસ્જિદનો પાયો નાખવામાં આવશે. કબીરે મંચ પરથી 2024માં કરેલી તેમની જાહેરાતને યાદ કરી, "2024માં મેં ઘોષણા કરી હતી કે હું ટૂંક સમયમાં મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદનું ઉદ્ઘાટન કરીશ. આજે, 6 ડિસેમ્બરના રોજ, અમે અહીં મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો પાયો નાખવા આવ્યા છીએ."
લોકોની ભીડ બેલડાંગા પહોંચવાનું શરૂ
બાબરી મસ્જિદના નિર્માણ માટે માલદા સહિત અનેક જિલ્લાઓમાંથી કન્સ્ટ્રક્શનનો સામાન લઈને ટ્રેક્ટર મુર્શિદાબાદના બેલડાંગા પહોંચી રહ્યા છે. બંગાળના અલગ-અલગ ભાગોમાંથી કેટલાક મુસ્લિમ લોકો પોતાના માથા પર ઈંટો મૂકીને પણ મુર્શિદાબાદ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે "અમારી મસ્જિદ બનશે." નોંધનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસે ગુરુવારે હુમાયુ કબીરને પાર્ટી વિરોધી ગતિવિધિઓ અને નેતૃત્વને શરમાવે તેવી જાહેર ટિપ્પણીઓ કરવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. સસ્પેન્શન બાદ હુમાયુ કબીરે પોતાની અલગ પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે.

