મમતાના ગુંડાઓનો હિન્દુ મહિલાઓ પર અત્યાચાર ચરમ પર : સ્મૃતિ
- સંદેશખાલીમાં ઇડીની ટીમ પર હુમલા બાદ વધુ એક વિવાદ
- સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચારના તમામ આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાયા છે : મમતા
કોલકાતા : લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, એવામાં પશ્ચિમ બંગાળનું રાજકારણ પણ ગરમાયું છે. સત્તાધારી ટીએમસી અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપે હિન્દુત્વનું કાર્ડ ખેલતા આરોપ લગાવ્યો છે કે મમતા બેનરજી હિન્દુઓ પર અત્યાચારો કરી રહ્યા છે. સાથે જ દાવો કર્યો છે કે ટીએમસીના કાર્યકર્તાઓ મહિલાઓ પર શારીરિક હુમલા કરી રહ્યા છે. આ આરોપો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા લગાવવામાં આવ્યા હતા. બંગાળના સંદેશખાલી વિસ્તારના વિવાદ મુદ્દે ભાજપે આ આરોપો લગાવ્યા છે.
આ પહેલા પશ્ચિમ બંગાળના ૨૪ પરગનાસ જિલ્લાના સંદેશખાલીની મહિલાઓ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસના નેતા શાઝહાન શેખ અને તેના સમર્થકોએ તેમની જમીન બળજબરીથી છીનવી લીધી છે સાથે જ તેમના પર શારીરિક હુમલા પણ કરવામાં આવ્યા હતા.
તેથી શેખની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે. મહિલાઓએ આ મુદ્દે બંગાળના રાજ્યપાલ સીવી આનંદા બોઝની મુલાકાત કરી હતી. રાજ્યપાલે પણ કહ્યું હતું કે રવિન્દ્ર નાથ ટાગોરની ભૂમિ પર મહિલાઓ પર થતો અત્યાચાર હું જોઇ શકું તેમ નથી. આ શરમજનક ઘટના છે અને આરોપીઓ સામે પગલા લેવા જોઇએ. સ્થાનિક મહિલાઓના આ આરોપોને લઇને બાદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મમતા બેનરજીને ઘેર્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો હતો કે મમતા બેનરજી હિન્દુઓ પર અત્યાચાર માટે જાણિતા છે. હવે મમતા બેનરજી ટીએમસીની ઓફિસમાં તેમના કાર્યકર્તાઓને મહિલાઓ પર હિન્દુ મહિલાઓ પર બળાત્કાર કરવાની છૂટ આપી રહ્યા છે. આ વિવાદ બાદ મમતા બેનરજીએ કહ્યું હતું કે આ સમગ્ર વિવાદ અને હિંસાની ઘટના માટે જે પણ લોકો જવાબદાર છે તેમની ધરપકડ થઇ ચુકી છે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એટલુ જ નહીં અમે આ વિસ્તારમાં મહિલા કમિશનની ટીમને પણ મોકલી છે.
નોંધનીય છે કે આ પહેલા પાંચ જાન્યુઆરીએ ઇડીની ટીમ પર આ જ સંદેશખાલી વિસ્તારમાં હુમલો થયો હતો. ઇડીના અધિકારીઓ ટીએમસીના નેતા શાઝહાન શેખની ધરપકડ કરવા માટે ગયા હતા, જે દરમિયાન શેખ અને તેમના પરિવાર દ્વારા ઇડી પર હુમલો થયો હતો. જેમાં કેટલાક અધિકારી ઘાયલ થયા હતા. જે બાદ હવે આ વિસ્તારની મહિલાઓએ ટીએમસી નેતા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો.
સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વિવાદ વચ્ચે ટીએમસીના નેતા શાઝહાન શેખ ગાયબ છે. જેને પગલે હવે આ મુદ્દે સત્તાધારી ટીએમસી અને વિપક્ષ ભાજપ વચ્ચે વિવાદ વધી રહ્યો છે.