India

બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનતા ફરી વધશે વરસાદનું જોર, ગુજરાતમાં 12 તારીખથી મેઘમહેર

By GS Team
8 Sep 20263 mins read
TukuTouch Logo
IMD એ બંગાળની ખાડીમાં 11 સપ્ટેમ્બરથી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સિસ્ટમ સક્રિય થતાં 12 સપ્ટેમ્બરથી ગુજરાત સહિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 12 અને 13 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનતા ફરી વધશે વરસાદનું જોર, ગુજરાતમાં 12 તારીખથી મેઘમહેર

IMD Weather Alert Bay Of Bengal Low Pressure: દેશના અનેક વિસ્તારો ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હાલ ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પૂર્વ યુપી, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મિઝોરમમાં ભારે વરસાદ (7-11 સેમી) નોંધાયો છે. યુપીમાં બનેલા લો પ્રેશરના કારણે આગામી ચાર દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ અને આકાશી વીજળી પડવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં સર્જાશે નવી સિસ્ટમ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં (ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા તટ નજીક) નવી લો પ્રેશર સિસ્ટમ (Low Pressure Area) સક્રિય થવાની પ્રબળ સંભાવના છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ: પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 12 થી 14 સપ્ટેમ્બર અને છત્તીસગઢ તથા પૂર્વ મધ્ય પ્રદેશમાં 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થશે.

ઓડિશા અને અન્ય રાજ્યો: ઓડિશામાં 10 સપ્ટેમ્બરે અને અરૂણાચલ પ્રદેશમાં 12 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે. તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને વિદર્ભમાં 11 થી 14 સપ્ટેમ્બર દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાખંડ અને ઉત્તર ભારત: ઉત્તરાખંડમાં 10 સપ્ટેમ્બરથી ચાર દિવસ માટે ભારે વરસાદ રહી શકે છે. જ્યારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 8 થી 13 સપ્ટેમ્બર વચ્ચે માત્ર છૂટોછવાયો વરસાદ થશે.

છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ

અંદમાન અને નિકોબારના લોંગ આઇલેન્ડ તથા અસમના આમ્રઘાટમાં સૌથી વધુ 12 સેમી વરસાદ નોંધાયો છે. આ સિવાય પશ્ચિમ બંગાળના હલ્દિયામાં 10 સેમી, પૂર્વ યુપીના મોહમ્મદી અને મિઝોરમના કોલાસિબમાં 9 સેમી, તથા ઓડિશાના નવરંગપુરમાં 8 સેમી વરસાદ પડ્યો છે.

દિલ્હી-NCRના હવામાનમાં પલટો

દિલ્હી-એનસીઆરમાં 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, અને તાપમાન 34°C થી 36°C ની વચ્ચે રહેશે. પરંતુ 11 સપ્ટેમ્બરથી હવામાન બદલાશે અને ઘનઘોર વાદળો સાથે હળવાથી મધ્યમ વરસાદના બે રાઉન્ડ આવશે, જેનાથી મહત્તમ તાપમાન ઘટીને 31°C થી 33°C થઈ જશે અને ગરમીથી રાહત મળશે.

ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી વરસાદી રાઉન્ડ

ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી ફરી વરસાદી માહોલ જામશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની IMDએ આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યુ છે. ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યા બાદ હવે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાના એંધાણ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, આગામી 12 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી માહોલમાં નોંધપાત્ર વધારો થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે.

આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ?

હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન (14 સપ્ટેમ્બર સુધી) રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડા સાથે છાંટા પડવાની સંભાવના છે. જોકે, 12 અને 13 સપ્ટેમ્બરના રોજ હવામાન પ્રણાલી વધુ સક્રિય બનશે.

12 અને 13 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં આગાહી?

દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ મૂશળધાર વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે.

14 સપ્ટેમ્બરે કેવું રહેશે હવામાન?

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.

સિસ્ટમ સક્રિય થવાનું મુખ્ય કારણ

હવામાન નિષ્ણાતોના મત અનુસાર, મધ્ય ઉત્તર પ્રદેશ પર સક્રિય લો-પ્રેશર સિસ્ટમ હવે નબળી પડીને પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ ફંટાઈ છે. પરંતુ, આગામી 11 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તેમજ ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશા દરિયાકાંઠે એક નવું નીચા દબાણનું ક્ષેત્ર સર્જાવા જઈ રહ્યું છે. આ નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે 12 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.

હાલમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટાભાગે શુષ્ક હવામાન નોંધાયું છે, પરંતુ આગામી દિવસોમાં બનનારી આ સિસ્ટમ રાજ્યના ખેડૂતો માટે રાહતના લાવી શકે છે.