ભારતની સરહદ ચીન સાથે નહીં તિબેટ સાથે છે: અરુણાચલ પ્રદેશના CMનું મોટું નિવેદન
Image Source: Twitter
Arunachal Pradesh CM pema khandu's Big Statement: નેરેટિવ સેટ કરવાના ખેલમાં અરુણાચલ પ્રદેશના CM પેમા ખાંડૂએ ચીનને તેની જ સ્ટાઇલમાં જવાબ આપ્યો છે. પેમા ખાંડૂએ ગુરુવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશની સરહદ ચીન સાથે નથી લાગતી તિબેટ સાથે લાગે છે. પહેલી નજરે તેનું નિવેદન વિચિત્ર અને ખોટું લાગી શકે છે કારણ કે, શરુઆતથી જ આપણને કહેવામાં આવ્યું છે કે, પૂર્વ દિશામાં ભારતની લગભગ 1200 કિલોમીટરની સરહદ ચીન સાથે લાગે છે.
પરંતુ આ તથ્યને અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડૂએ ડિપ્લોમેટિક ટ્વિસ્ટ આપી દીધો છે. પેમા ખાંડૂએ કહ્યું કે, ભારતનું અરુણાચલ પ્રદેશ રાજ્ય ચીન સાથે નહીં પરંતુ તિબેટ સાથે 1200 કિલોમીટરની સરહદ ધરાવે છે.
ભારતની સરહદ ચીન સાથે નહીં તિબેટ સાથે છે
CM પેમા ખાંડૂએ આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે દલાઈ લામાના બહાને તિબેટ ચર્ચામાં છે. આ ઉપરાંત ચીન ઘણીવાર અરુણાચલ પ્રદેશ પર પોતાનો ગેરકાયદેસર અને પાયાવિહોણો દાવો કરતું આવ્યું છે. આ દાવાની પુષ્ટિ માટે ચીન એકપક્ષીય રીતે આ પ્રદેશના ઘણા વિસ્તારોના નામ બદલતું રહે છે.
ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને જણાવવામાં આવ્યું કે, અરુણાચલ પ્રદેશની 1200 કિલોમીટરની સરહદ ચીન સાથે લાગે છે ત્યારે તરત જ તેમને અટકાવતા કહ્યું કે, હું તમારી ભૂલ સુધારી દઉં છું, અમારી સરહદ તિબેટ સાથે છે ચીન સાથે નહીં.
તેમણે આગળ કહ્યું કે, જો તમે નકશો જુઓ સત્ય એ છે કે ભારતના રાજ્યને સીધી રીતે ચીનની સરહદ નથી લાગતી, અમારી સરહદ માત્ર તિબેટ સાથે છે. એ સાચું છે કે, 1950માં ચીન ત્યાં આવ્યું અને બળજબરીથી તિબેટ પર કબજો કરી લીધો, આ વાતને નકારી ન શકાય, આ વાત અલગ છે, સત્તાવાર રીતે તિબેટ હવે ચીન હેઠળ છે. તેનાથી ઇન્કાર ન કરી શકાય. પરંતુ અમે મૂળ રીતે તિબેટ સાથે સરહદ વહેંચીએ છીએ અને અરુણાચલ પ્રદેશમાં આપણે ત્રણ આંતરરાષ્ટ્રીય સરહદો વહેંચીએ છીએ - ભૂટાન સાથે લગભગ 150 કિલોમીટર, તિબેટ સાથે લગભગ 1200 કિલોમીટર, જે દેશની સૌથી લાંબી સરહદોમાંની એક છે, અને પૂર્વ તરફ મ્યાનમાર સાથે લગભગ 550 કિલોમીટર.
ખાંડૂએ કહ્યું કે, ઐતિહાસિક તથ્ય એ વાતની પુષ્ટિ કરે છે કે, આ ભારત-તિબેટ સરહદ હતી અને તેમણે 1914ના શિમલા સમ્મેલનનો હવાલો આપ્યો જેમાં બ્રિટિશ ભારત, ચીન અને તિબેટના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોને પોતાનું નામ આપવાની ચીનની ટેવ પર તેમણે કહ્યું કે, પાડોશી દેશે એક વાર નહીં પરંતુ પાંચ વાર સ્થળોના નામ બદલ્યા છે.
તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે છેલ્લી વખત તેણે અરુણાચલ પ્રદેશમાં ઘણા સ્થળોના નામ બદલ્યા હતા. જો હું ખોટો ન હોઉં તો મને લાગે છે કે આ તેમનો કુલ પાંચમો પ્રયાસ હતો. તેથી તે અમારા માટે આશ્ચર્યજનક નથી. અમે ચીનની ટેવ જાણીએ છીએ, અને મને લાગે છે કે સત્તાવાર રીતે વિદેશ મંત્રાલયે તેને જવાબ આપ્યો છે.'
દલાઈ લામાના 90મા જન્મદિવસમાં સામેલ થયા હતા ખાંડૂ
તમને જણાવી દઈએ કે, પેમા ખાંડૂ 6 જુલાઈના રોજ ધર્મશાળામાં દલાઈ લામાના 90મા જન્મદિવસમાં સામેલ થયા હતા. બૌદ્ધ ધર્મમાં માનનારા પેમા ખાંડૂએ આગામી દલાઈ લામાની પસંદગીમાં ચીનના હસ્તક્ષેપનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, 'દલાઈ લામા સંસ્થા પહેલા દલાઈ લામાથી લઈને વર્તમાન 14મા દલાઈ લામા સુધી 600 વર્ષથી વધુ સમયથી સતત કામ કરી રહી છે. ગાડેન ફોડરંગ ટ્રસ્ટ આગામી દલાઈ લામાને માન્યતા આપવાની પ્રક્રિયાને મેનેજ કરે છે, જે વર્તમાન દલાઈ લામાના નિધન પછી જ શરુ થશે. આમાં કોઈ ઉતાવળ નથી અને સમગ્ર પ્રક્રિયા કડક નિયમોનું પાલન કરે છે.'
તેમણે કહ્યું કે, દલાઈ લામાના 90મા જન્મદિવસ પહેલા બૌદ્ધ પરંપરાઓના તમામ પ્રમુખોએ એક બેઠક કરી હતી અને એ વાતની પુષ્ટિ કરી કે આ સંસ્થા ચાલુ રહેશે. નોંધનીય છે કે, ચીન આગામી દલાઈ લામાની પસંદગીમાં હસ્તક્ષેપ કરવા માગે છે અને નવા દલાઈ લામાને ચીની સરકાર તરફથી માન્યતા મળે તે અંગે વાત કરી રહ્યું છે.
તેના પર પેમા ખાંડૂએ કહ્યું કે, 'ચીને આ બાબત પર વાંધો વ્યક્ત કર્યો છે. ચીનનો વાંધો તેની પોતાની નીતિઓ પર આધારિત છે. પરંતુ દલાઈ લામા સંસ્થા મુખ્ય રીતે હિમાલય ક્ષેત્ર અને તિબેટીયન બૌદ્ધો દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ મામલે ચીનની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ.'
ચીને તિબેટ પર કેવી રીતે કર્યો હતો કબજો?
એ સત્ય છે કે, આઝાદીના સમયે ભારતની સરહદ ચીન સાથે નહીં પરંતુ તિબેટ સાથે લાગતી હતી. પરંતુ 1949માં માઓ જ્યારે ચીનના પ્રમુખ બન્યા તો તેમણે તિબેટ પર નજર બગાડી.
બીજા વિશ્વયુદ્ધ બાદ 1949માં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના એટલે કે આધુનિક ચીનની સ્થાપના થઈ. માઓએ તિબેટને ચીનનો અભિન્ન ભાગ માનીને તેને પોતાના નિયંત્રણમાં લાવવાનો ટાર્ગેટ રાખ્યો. તિબેટ ત્યારે એક સ્વાયત્ત પ્રદેશ હતો, અને સદીઓથી આ ચાલતું આવતું હતું. પરંતુ શાંતિપ્રિય બૌદ્ધો અને લામાઓનો આ પ્રદેશ લશ્કરી રીતે નબળો હતો.
7 ઑક્ટોબર 1950ના રોજ ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ હજારો સૈનિકો સાથે તિબેટ પર આક્રમણ શરુ કર્યું. ચામડોના યુદ્ધમાં ચીનીઓએ તિબેટીયન સેનાને સરળતાથી હરાવી દીધી, કારણ કે તેમની પાસે ન તો આધુનિક શસ્ત્રો હતા કે ન તો સંગઠિત સેના હતી.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: બે દિવસ બાદ જાહેર કરાઈ શકે છે તપાસ રિપોર્ટ
ભારે દબાણ હેઠળ 23 મે 1951ના રોજ તિબેટી પ્રતિનિધિઓએ 17 મુદ્દાના કરાર પર હસ્તાક્ષર કર્યા જેમાં તિબેટને ચીનના ભાગ તરીકે સ્વીકારવામાં આવ્યું. જોકે, દલાઈ લામાએ તેને બળજબરીથી લાદવામાં આવેલો કરાર ગણાવ્યો. આ કબજા પાછળ ચીનનો હેતુ તિબેટના વ્યૂહાત્મક સ્થાનને નિયંત્રિત કરવાનો, ભારત સાથેની સરહદને મજબૂત કરવાનો અને પોતાનું પ્રાદેશિક સાર્વભૌમત્વ સ્થાપિત કરવાનો હતો.
ત્યારબાદ ચીને તિબેટની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખને દબાવવાનો પ્રયાસ શરુ કર્યો. જેના પરિણામ સ્વરૂપે 1959માં વિદ્રોહ થયો અને દલાઈ લામા ભારત આવી ગયા.