અમદાવાદ પ્લેન ક્રેશ: બે દિવસ બાદ જાહેર કરાઈ શકે છે તપાસ રિપોર્ટ
Ahmedabad Plane Crash: પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાયલની સંસદીય સ્થાયી સમિતિની બુધવારે (નવમી જુલાઈ) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના ડિરેક્ટર જનરલ જી.વી.જી. યુગંધરે સમિતિને જણાવ્યું હતું કે, 'અમદાવાદ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક રિપોર્ટ થોડા દિવસોમાં જાહેર કરશે.' જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ રિપોર્ટ 2 દિવસમાં જાહેર કરી શકાય છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થશે
12મી જૂને બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેક ઑફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. ત્યારે 12મી જુલાઈએ આ વિમાન દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થશે. ત્યારે AAIBએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને કોઈ પ્રારંભિક રિપોર્ટ સુપરત કર્યો નથી. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશન (ICAO) નિયમ અનુસાર, AAIB અકસ્માતના 30 દિવસની અંદર મંત્રાલયને પ્રારંભિક અહેવાલ સુપરત કરી શકે છે. AAIBના અધિકારીઓએ સમિતિને જણાવ્યું હતું કે, 'ભારતમાં ક્રેશ થયેલા વિમાનના બ્લેક બોક્સની તપાસ પહેલી વાર થઈ રહી છે. બ્લેક બોક્સ અને વોઇસ રૅકોર્ડર સુરક્ષિત છે. ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.'
આ પણ વાંચો: ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે: કચ્છ, વડોદરા, સુરતમાં અનેક પુલ જર્જરિત
સુરક્ષા અને રેગ્યુલેટરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા
બેઠકમાં તમામ પક્ષોના સાંસદોએ ઉડ્ડયન સુરક્ષા અને રેગ્યુલેટરી પર પ્રશ્નો ઉઠાવ્યા. સાંસદોએ જણાવ્યું હતું કે, 'એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એક રડાર પર લગભગ 30 ફ્લાઇટ્સનું નિરીક્ષણ કરે છે, જ્યારે ઘણી જગ્યાએ 8થી 10 ફ્લાઇટ્સનું છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં વધુ છે અને આનાથી માનવ ભૂલોની શક્યતા વધી જાય છે.' નોધનીય છે કે, DGCAમાં લગભગ અડધા પદો ખાલી છે, જેને ટૂંક સમયમાં ભરવાની ભલામણ કરવામાં આવી હતી. ઘણાં સાંસદોએ સમિતિની અગાઉની ભલામણોનો અમલ ન થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. અકસ્માત પછી સ્થાનિક ફ્લાઇટ્સમાં 8%થી વધુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 1%થી ઓછો ઘટાડો થયો છે. સાંસદોએ ઍરપોર્ટ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોની આસપાસ આડેધડ શહેરીકરણ પર પણ ચિંતા વ્યક્ત કરી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 28મી જૂનના રોજ નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું હતું કે, 'વિમાન દુર્ઘટનાની તપાસ તમામ દૃષ્ટિકોણથી કરવામાં આવી રહી છે, જેમાં કાવતરું હોવાની શક્યતાનો પણ સમાવેશ થાય છે.'