Digital Census India : ભારતમાં પ્રથમ વખત યોજાનારી ડિજિટલ જનગણનાની તૈયારીઓ વચ્ચે એક મોટી ટેકનિકલ ખામીને કારણે વિવાદ ઉભો થયો છે. જનગણના માટેના સેલ્ફ-એન્યુમેરેશન પોર્ટલ પર અરુણાચલ પ્રદેશના ‘પાસીઘાટ’ શહેરને ચીનના ‘મેડોગ’ શહેર તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ ગંભીર ભૂલને દેશની સાર્વભૌમત્વ સાથે જોડીને સોશિયલ મીડિયા પર લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.
વાયુસેનાના નિવૃત્ત અધિકારી ભૂલનો ખુલાસો કર્યો
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે વાયુસેનાના નિવૃત્ત અધિકારી મોહોંતો પાંગિંગ પાઓએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે, પોર્ટલ પર પાસીઘાટનું લોકેશન ખોટું દેખાતું હોવાથી તેઓ પોતાની વિગતો ભરી શક્યા ન હતા.
પોર્ટલ ભૂલ બાદ યુઝર્સો રોષે ભરાયા
એકતરફ અરુણાચલ પ્રદેશ પર ચીન અવારનવાર પોતાનો દાવો કરતું રહે છે, તો બીજીતરફ ભારતના સરકારી પોર્ટલ પર આવી ગંભીર બેદરકારીને લોકોએ ‘વર્ચ્યુઅલ રીતે જમીન છોડવા’ જેવી ગણાવી રહ્યા છે. આ ભૂલના કારણે યુઝર્સો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે.
કંપનીની ટેકનિકલ ભૂલ : સરકાર
કેન્દ્ર સરકારના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનરની કચેરીએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ મેપ સેવા પૂરી પાડતી કંપનીની ટેકનિકલ ભૂલ હતી, જેને ગણતરીના કલાકોમાં સુધારી લેવામાં આવી છે.
🇮🇳 Proud to share that @MapmyIndia @mappls correctly identifies this location as Pasighat, East Siang, Arunachal Pradesh - Indian territory, as it always has been and always will be.
— MapmyIndia (@MapmyIndia) April 18, 2026
As India’s own mapping company, Mappls uses verified, sovereign Indian geographic data - not… https://t.co/Ql4cLFwEjd pic.twitter.com/8RYu2jiTIT
સિસ્ટમ પર દેખરેખ મજબૂત કરાશે : સરકાર
સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, ભવિષ્યમાં આવી ટેકનિકલ ક્ષતિઓ ન થાય તે માટે સિસ્ટમ અને મેપ સેવાઓની દેખરેખ વધુ મજબૂત કરવામાં આવશે. ભારત સરકારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે અને તેની ઓળખ સાથે જોડાયેલી કોઈ પણ ચૂક ચલાવી લેવામાં આવશે નહીં.


