ગાઝામાં શાંતિ પણ પાકિસ્તાન ભડકે બળ્યું! ગોળીબારમાં 250થી વધુ મોતનો TLPનો દાવો

Pakistan Unrest: એકબાજુ ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધનો અંત આવ્યો છે. બંને દેશો શાંતિ કરાર હેઠળ શાંત પડ્યા છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાનમાં આ યુદ્ધ મામલે ફાટી નીકળેલું આંદોલન હિંસક બન્યું છે. જેમાં આજે આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં માત્ર ત્રણ કલાકમાં 280થી વધુ લોકોનો જીવ લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અથડામણમાં એક પોલીસ અધિકારી પણ માર્યા ગયા હોવાનું પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું છે.
ગાઝામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં પાકિસ્તાનનું કટ્ટરપંથી સંગઠન તહરિક-એ-લબ્બૈક-પાકિસ્તાન (ટીએલપી)એ અમેરિકા અને ઈઝરાયલનો વિરોધ નોંધાવતાં વિરોધ રેલીઓ કાઢી હતી. ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહેલી આ રેલીને લાહૌરમાં અટકાવવામાં આવતાં તેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસે ટીઅર ગેસના શેલ છોડ્યા હતાં, અને લાઠીચાર્જ કર્યો હતો. જેના જવાબમાં ટીએલપીએ પણ ઠેરઠેર આગચાંપી અને તોડફોડ કરી હતી. આજે સવારે ચાર વાગ્યે
પાકિસ્તાની રેન્જર્સ અને પોલીસે ટીએલપીના હજારો કાર્યકરોને ઈસ્લામાબાદ જતાં રોકવા સ્મોક ગ્રેનેડ ફેંક્યા હતા. બાદમાં સવારે નવ વાગ્યાથી ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગોળીબારમાં ટીએલપીના ત્રણ કાર્યકરોના મોત થયા હોવાનો દાવો છે.
આ પણ વાંચોઃ ગાઝા શાંતિ યોજનાઃ હમાસની કેદમાં હવે કોઈ ઈઝરાયલી નહીં, તમામ 20 બંધક મુક્ત
280થી વધુ લોકો માર્યા ગયા
પોલીસના દાવાથી વિપરિત ટીએલપીએ દાવો કર્યો છે કે, પોલીસ અને રેન્જર્સના ગોળીબારમાં અમારા 280થી વધુ કાર્યકરો માર્યા ગયા છે. જેમાં અમારા પ્રમુખ મૌલાના સાદ હુસૈન રિઝવીને પણ ગોળી વાગી હતી. એક વીડિયોમાં રિઝવી પાકિ્સતાની રેન્જર્સ અને પોલીસને ગોળીબાર ન કરવા અપીલ કરતાં જોવા મળ્યા હતાં. આ રેલીમાં હજારો કાર્યકરો હૂજુમ સાથે નીકળ્યા હતા. શુક્રવારે શરૂ થયેલા આ આંદોલનમાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં 15 લોકોના મોત થયા હતાં.
ઈસ્લામાબાદમાં શાળાઓમાં રજા
પાકિસ્તાનમાં આ તણાવ વચ્ચે ઈસ્લામાબાદની અમુક શાળાઓ બંધ રાખવામાં આવી છે. પાંચ જિલ્લાની પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા પરિસ્થિતિ પર અંકુશ મેળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે, સુરક્ષા દળો સાથે અથડામણમાં ટીએલપીના 1500થી વધુ આંદોલનકારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો સંગઠને કર્યો છે.