નવી દિલ્હી,૨૪ નવેમ્બર,૨૦૨૫,સોમવાર
બંગાળની ખાડીમાં વધુ એક સાયકલોન આકાર લઇ રહયું છે. જે સિસ્ટમ મજબૂત બની રહી છે તેને સાયકલોન સેન્યાર નામ આપવામાં આવ્યું છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર આવતા સપ્તાહ સુધીમાં મજબૂત ચક્રવાતનું સ્વરુપ લઇ શકે છે. આ સિસ્ટમની અસર તળે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભારે વરસાદ અને વાયુગતિ વધવાની ચેતવણી આપવામાં આવી છે. ૨૪ કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઇન્ડિયન મિટિરિયોલજી ડિપાર્ટમેન્ટ (આઇએમડી)અનુસાર આંદામાનના દક્ષિણ ભાગમાં એક નિચા દબાણનું ક્ષેત્ર બની રહયું છે.આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થઇને બંગાળની ખાડી તરફ આગળ વધશે. ૨૬ નવેમ્બર આસપાસ સેન્યાર ચક્રવાતનું સ્વરુપ લઇ શકે છે. ૨૪ કલાકમાં ૧૦૪ થી ૨૦૪ મીમી જેટલો વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે.સોમવારે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર ઉભુ થઇ શકે છે. આવનારા ૪૮ કલાકમાં સિસ્ટમ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ મજબૂત થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૌસમ વિભાગના અધિકારીઓ ચક્રવાત કઇ દિશામાં આગળ વધશે તે નકકી નથી. સંભવત પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર તેની અસરમાં આવી શકે છે. સેન્યાર ચક્રવાત કયારે અને કયા સ્થળે લેન્ડફોલ કરશે તે નકકી નથી. ચક્રવાત તમિલનાડુ,આંધ્રપ્રદેશના કાંઠા કે ઓડિશા, બાંગ્લાદેશ તરફ ઉત્તર દિશામાં ફંટાશે તે કહેવું વહેલું ગણાશે. આ સિસ્ટમ ચક્રવાતનું સ્વરુપ લે ત્યાર પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે.


