Get The App

ભારતીય ન્યાયપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત બની ઘટના, જજે કહ્યું 'આ વકીલને 24 કલાક માટે જેલમાં રાખો

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
ભારતીય ન્યાયપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત બની ઘટના, જજે કહ્યું 'આ વકીલને 24 કલાક માટે જેલમાં રાખો 1 - image

Andhra Pradesh High Court:  ભારતીય ન્યાયતંત્રના ઈતિહાસમાં આવું પ્રથમ વખત જોવા મળ્યું છે, જ્યારે ભરી કોર્ટમાં જજ અને વકીલ વચ્ચેનો ટકરાવ એટલી હદે વધી ગયો કે મામલો પોલીસ સુધી પહોંચી ગયો. આ ઘટના આંધ્ર પ્રદેશ હાઈકોર્ટની છે, જેમાં કોર્ટે એક વકીલને બેદરકારી બદલ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

 'જજ' સામે હાથ જોડીને કરગરતા યુવા વકીલ

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના એક વાઈરલ વીડિયોએ દેશના કાયદાકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. 'માય લોર્ડ' સામે હાથ જોડીને કરગરતા એક યુવા વકીલ અને ગુસ્સે ભરાયેલા ન્યાયમૂર્તિ ટી. રાજશેખર રાવ વચ્ચે જે કંઈ પણ થયું તેણે હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તણાવ એટલો વધી ગયો કે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને પોતે આ મામલાની કમાન સંભાળવી પડી છે. CJI એ જજ પાસે આ અંગે રિપોર્ટ કરવાની ફરજ પાડી છે.

લુકઆઉટ નોટિસ સાથે જોડાયેલો મામલો

'બાર એન્ડ બેન્ચ'ના રિપોર્ટ મુજબ , સોમવારે (4 મે 2026) ના રોજ બનેલી આ ઘટનામાં કોર્ટ એક અરજી પર સુનાવણી કરી રહી હતી. આ કેસમાં અરજદાર વિરુદ્ધ જાહેર કરાયેલ લુકઆઉટ નોટિસ અને પાસપોર્ટ જપ્ત કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ તર્લાદા રાજશેખર રાવ આ કેસની સુનાવણી સ્થગિત કરવાનું વિચારી રહ્યા હતા, ત્યારે જ તેમની અને એક યુવા વકીલ વચ્ચે ટકરાવ શરૂ થયો. માત્ર 2 વર્ષનો અનુભવ ધરાવતા વકીલના વર્તનથી નારાજ થઈને ન્યાયમૂર્તિ ટી. રાજશેખર રાવે તેમને 24 કલાકની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો મૌખિક આદેશ આપી દીધો.

વિવાદનું મૂળ અને જજની કડક ટિપ્પણી, વકીલની માફી

જજે વકીલના વર્તનને આળસથી ભરેલું ગણાવ્યું. વીડિયોમાં જજને એમ કહેતા સાંભળી શકાય છે કે વકીલે કોર્ટમાં બંડલ (ફાઈલ) ફેંક્યું અને વરિષ્ઠ વકીલની જેમ વર્તવાનો પ્રયાસ કર્યો. ન્યાયમૂર્તિ રાવે કહ્યું, 'તમારી પાસે હજુ 10 વર્ષનો અનુભવ પણ નથી અને તમે બંડલ ફેંકી રહ્યા છો? હવે તમને પીડાનો અહેસાસ થશે.' તેમણે રજિસ્ટ્રારને તાત્કાલિક કસ્ટડીનો આદેશ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો. વકીલ હાથ જોડીને માફી માંગતા રહ્યા અને દયાની ભીખ માંગતા દેખાયા, પરંતુ જજે તેમને બાર કાઉન્સિલ જઈને ધરણા કરવાની સલાહ આપી દીધી.

આ પણ વાંચો: દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે

CJI અને બાર એસોસિએશનનો હસ્તક્ષેપ, આખરે આદેશ પાછો ખેંચાયો

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને પત્ર લખી હસ્તક્ષેપની માંગ કરી હતી. ત્યારબાદ CJIએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસે આ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. જેવા આ સમાચાર ફેલાયા કે તરત જ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ બાર એસોસિએશનના હોદ્દેદારો ન્યાયાધીશની ચેમ્બરમાં પહોંચ્યા. તેમની વિનંતી બાદ, ન્યાયમૂર્તિ રાવે લેખિત આદેશ પર હસ્તાક્ષર થાય તે પહેલા જ પોતાનો નિર્દેશ પાછો ખેંચી લીધો હતો.