Get The App

એક્સિડેન્ટ સમયે એરબેગ ન ખુલતાં યુવકનું મોત, આનંદ મહિન્દ્રાની કંપનીએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું?

કંપનીએ કહ્યું - આ કેસ 18 મહિના જૂનો, એ કારમાં એરબેગ હતી અને અમારી તપાસમાં એ યોગ્ય રીતે કામ કરતી જણાઈ છે

કાનપુરમાં વ્યક્તિએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન અને તેમની કંપનીના 13 કર્મચારીઓ વિરુદ્ધ કેસ કર્યો

Updated: Sep 27th, 2023

GS TEAM


Google News
Google News
એક્સિડેન્ટ સમયે એરબેગ ન ખુલતાં યુવકનું મોત, આનંદ મહિન્દ્રાની કંપનીએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું? 1 - image

ઉત્તર પ્રદેશ (Uttarpradesh)ના કાનપુર (Kanpur)માં એક વ્યક્તિએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra)ના ચેરમેન આનંદ મહિન્દ્રા (chairman Anand Mahindra) અને તેમની કંપનીના 13 કર્મચારીઓ વિરુદ્ધ કેસ કર્યો હતો. પીડિત વ્યક્તિએ એવો આરોપ લગાવ્યો હતો કે, આરોપીઓએ તેની સાથે છેતરપિંડી કરી છે. ફરિયાદ બાદ કાનપુરની રાયપુરવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે હવે આ મામલે કંપની વતી બે દિવસ પછી ખુલાસો કરવામાં આવ્યો છે અને આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.  

શું હતો મામલો? 

પોલીસના જણાવ્યા મુજબ પીડિત રાજેશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે એકના એક પુત્ર અપૂર્વ મિશ્રાને સ્કોર્પિયો ગાડી ભેટ આપી હતી. 14 જાન્યુઆરી-2022ના રોજ આ જ ગાડીમાં તેમનો પુત્ર અપૂર્વ મિત્રો સાથે લખનઉથી કાનપુર પરત ફરી રહ્યો હતો... ત્યારે ધુમ્મસના કારણે વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું અને ઘટનામાં અપૂર્વનું મોત નિપજ્યું હતું.

સીટ બેલ્ટ બાંધી હોવા છતાં એરબેગ ન ખૂલી 

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે તિરુપતિ ઓટોમોબાઈલ્સમાંથી કાર ખરીદી હતી, ત્યારબાદ તેઓ 29 જાન્યુઆરીએ વાહન લઈને શોરૂમ પહોંચ્યા અને કારમાં ખામી અંગે જણાવ્યું... તેમણે આરોપ લગાવ્યો હતો કે, સીટ બેલ્ટ બાંધી હોવા છતાં એરબેગ ન ખુલી. તેમની સાથે કંપની દ્વારા છેતરપિંડી કરીને તેમને આ કાર વેંચવામાં આવી છે. પીડિત રાજેશે કહ્યું કે, જો વાહનની યોગ્ય તપાસ કરાઈ હોત તો તેમના પુત્રનું મોત ન થયું હોત.

મારામારી અને ધમકી આપ્યાનો કંપની પર આક્ષેપ 

પીડિતે એવો આરોપ લગાવ્યો હતો કે, આ ખામી મામલે વાત કરતી વખતે કંપનીના કર્મચારીઓએ તેમની સાથે બોલાચાલી કરી. પીડિતનો આરોપ છે કે, કંપનીના મેનેજર અને કર્મચારીઓએ નિર્દેશકોના ઈશારે તેમની અને તેમના પરિવાર સાથે અભદ્ર વર્તન કર્યું અને જાનથી મારવાની ધમકી આપી. ત્યારબાદ સ્કોર્પિયોને ઉઠાવી મહિન્દ્રા કંપનીના શોરૂમની સામે ઉભી કરી દીધી. રાજેશનો દાવો છે કે, કંપનીએ ગાડીમાં એરબેગ લગાવી નથી. 

કંપની વતી કરાયો ખુલાસો... 

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની (Mahindra & Mahindra) વતી આ મામલે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ કેસ લગભગ 18 મહિના જૂનો છે અને ઘટના જાન્યુઆરી 2022માં બની હતી. આ મામલે 23 સપ્ટેમ્બર 2023ના રોજ એફઆઈઆર થઈ હતી. કંપનીએ કહ્યું કે એફઆઈઆરમાં આરોપ મૂકાયો હતો કે એ વાહનમાં એરબેગ નહોતી. અમે અહીં સ્પષ્ટ કરવા માગીએ છીએ કે સ્કોર્પિયો એસ 9 (Scorpio S9) વેરિયન્ટમાં એરબેગ હતી. અમે એ મામલે તપાસ કરી છે અને તેમાં એરબેગમાં કોઈ ખામી જણાઈ નથી. ઓક્ટોબર 2022માં અમારી ટીમે સંપૂર્ણ તપાસ કરી હતી. હાલમાં આ કેસ ન્યાયપાલિકા હેઠળ છે અને અમે પૂરેપૂરો સહયોગ આપવા પ્રતિબદ્ધ છીએ.


 બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Tags :