હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ

Uttarakhand News : હરિયાણાના ફરીદાબાદ બાદ હવે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ખળભળાટ મચ્યો છે. જિલ્લાની રાજકીય ઉચ્ચતર માધ્યમિક શાળાના પરિસરમાંથી આજે (21 નવેમ્બર) ઝાડીઓમાં છુપાવેલા ભારે માત્રામાં શંકાસ્પદ વિસ્ફોટક મળી આવ્યા હતા.
શાળાની ઝાડીઓમાંથી શંકાસ્પદ પેકેટ મળ્યા
શાળાના પ્રભારી પ્રધાનાચાર્ય સુભાષ સિંહે ઝાડીઓમાં શંકાસ્પદ પેકેટ જોયા હતા, ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે. ઉધમસિંહ નગર અને નૈનીતાલ જિલ્લાની બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને ડોગ સ્કવૉડ ટીમો સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
પેકેજમાં 60 કિલો જિલેટીન સ્ટીક્સ હોવાનું સામે આવ્યું
તપાસ કરાતા ઝાડીઓમાંથી કુલ 161 પેકેટ મળી આવ્યા છે, જેમાં લગભગ 60 કિલોગ્રામ જેટલી જિલેટીન સ્ટીક્સ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જિલેટીન રોડ્સનો ઉપયોગ મુખ્યત્વે માઈનિંગ અને કન્સ્ટ્રક્શન સાઈટ પર વિસ્ફોટ કરવા માટે થાય છે. આ વિસ્ફોટક સામગ્રીને ડિસ્પોઝ કરવાના ઈરાદે ફેંકવામાં આવી હોવાની આશંકા છે.
પેકેટો સુરક્ષિત રીતે સીલ કરાયા
ટીમે તમામ વિસ્ફોટક પેકેટોને સુરક્ષિત રીતે સીલ કરીને અલગ સ્થળે લઈ ગઈ છે, જેને સુરક્ષાના કારણોસર નિયંત્રિત રીતે નષ્ટ કરવામાં આવશે. પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. એસએસપી અલ્મોડાએ જણાવ્યું છે કે, ઝાડીઓ પાછળ આ વિસ્ફોટકો કોણે અને શા માટે રાખ્યા હતા, તે અંગે ઝડપથી ખુલાસો કરવામાં આવશે.
આ પણ વાંચો : હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ

