India

જેફ્રી એપ્સટીન સાથે હરદીપ પુરીની કથિત તસવીરો વાઈરલ! વિપક્ષે ઉઠાવ્યા સવાલો, ભાજપ સરકાર ઘેરાઈ

By GS Team
21 Oct 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીની બદનામ યૌન અપરાધી જેફ્રી એપ્સટીન સાથેની તસવીરો વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ, ટીએમસી, એનસીપી અને શિવસેના (યુબીટી) સહિતના વિપક્ષી નેતાઓએ આ તસવીરો શેર કરીને કેન્દ્ર સરકાર અને મંત્રી પાસેથી ખુલાસો માંગ્યો છે. વિપક્ષે આ મુલાકાત અંગત હોવાનો આરોપ લગાવી ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેના કારણે સત્તાધારી પક્ષ ભીંસમાં મુકાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેફ્રી એપ્સટીન સાથે હરદીપ પુરીની કથિત તસવીરો વાઈરલ! વિપક્ષે ઉઠાવ્યા સવાલો, ભાજપ સરકાર ઘેરાઈ

Hardeep Singh Puri And Jeffrey Epstein Image Viral : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીની બદનામ યૌન અપરાધી જેફ્રી એપ્સટીન સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ, ટીએમસી, એનસીપી અને શિવસેના (યુબીટી) સહિતના અનેક વિપક્ષી પક્ષોના નેતાઓએ આ તસવીરો શેર કરીને કેન્દ્ર સરકાર અને હરદીપ સિંહ પુરી સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષે આ સમગ્ર મુલાકાત અંગત હોવાનો આરોપ લગાવીને કેન્દ્રીય મંત્રી પાસેથી ખુલાસો માંગ્યો છે, જેના કારણે સત્તાધારી પક્ષ ભીંસમાં મુકાયો છે.

સુપ્રિયા શ્રીનેતે ઉઠાવ્યા ગંભીર સવાલો

વિપક્ષી નેતાઓએ હરદીપ સિંહ પુરીના એ અગાઉના નિવેદન પર નિશાન સાધ્યું છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ એપ્સટીનને ક્યારેય એકલા મળ્યા નથી અને માત્ર એક પ્રતિનિધિમંડળના ભાગ તરીકે જ મળ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આ તસવીરો સામે આવ્યા બાદ સવાલ પૂછ્યો હતો કે, 'શું હરદીપ પુરીએ એવું નહોતું કહ્યું કે તેઓ એપ્સટીનને ક્યારેય રૂબરૂ એકલા મળ્યા નથી? મોદીજીને કેવા લોકો પસંદ છે અને તેઓ પોતાની આસપાસ કેવા લોકોને રાખે છે? શું તમને હજુ પણ વધુ પુરાવાની જરૂર છે કે આરએસએસ અને દક્ષિણપંથી વિચારધારા ધરાવતા લોકો મહિલાઓનું સન્માન કેમ નથી કરી શકતા?'

મહુઆ મોઈત્રાનો વિડિયો સાથે કટાક્ષ

ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ હરદીપ પુરીનો જૂનો વીડિયો શેર કરીને આકરો કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું કે, 'એપ્સટીન પાજીએ આપણને કહ્યું હતું કે તેઓ માત્ર ડેલિગેશનના ભાગ રૂપે 3 થી 4 વખત જ મળ્યા હતા. પાજી, શું બાકીના પ્રતિનિધિઓ આ 2 તસવીરોમાં ટેબલ નીચે સંતાઈ ગયા હતા?'

અનીશ ગવાંડેએ ચર્ચાની વિગતો જાહેર કરવા કરી માંગ

એનસીપીના પ્રવક્તા અનીશ ગવાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે આ તસવીરો અત્યંત ગંભીર છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જવાબ આપવો જોઈએ કે તેઓ રાજદૂત તરીકે પણ જેફ્રી એપ્સટીનને કેમ મળી રહ્યા હતા. તેમણે એમ પણ ઉમેર્યું કે, ભારત સરકાર ભલે આ મુલાકાતને રાજદ્વારી જરૂરિયાત ગણાવે, પરંતુ બંને વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે તમામ વિગતો દેશ સમક્ષ સાર્વજનિક થવી જોઈએ.

સંજય રાઉતે મુલાકાતના સંદેશા અંગે પૂછ્યો સવાલ

શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે પણ તસવીર શેર કરીને સીધા પ્રહાર કર્યા હતા. તેમણે પૂછ્યું કે, 'મોદીજી, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી જેફ્રી એપ્સટીનને એકલા કેમ મળી રહ્યા છે? તેઓ આ બેઠકમાં કોનો મેસેજ લઈને ગયા હતા? આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે! આરએસએસનું શાસન બદલાશે! જય હિંદ!'

હરદીપ સિંહ પુરીનો જૂનો ખુલાસો

આ વિવાદ વચ્ચે હરદીપ સિંહ પુરીએ ફેબ્રુઆરી મહિનામાં આપેલી સ્પષ્ટતા સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ જેફ્રી એપ્સટીનને પ્રોફેશનલ સ્તરે 3 કે વધુમાં વધુ 4 વખત મળ્યા હતા. આ મુલાકાત 'ઈન્ટરનેશનલ પીસ ઈન્સ્ટિટ્યૂટ' (IPI) ના પ્રોજેક્ટ 'ઈન્ડિપેન્ડન્ટ કમિશન ઓન મલ્ટિલેટરલિઝમ' સાથે જોડાયેલા પ્રતિનિધિમંડળના ભાગ તરીકે થઈ હતી. તેમણે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત પદેથી રાજીનામું આપ્યા પછી અને વર્ષ 2017માં કેન્દ્રીય મંત્રી બન્યા તે પહેલાં આ મુલાકાતો થઈ હતી, જેને એપ્સટીન પર લાગેલા ગુનાહિત આરોપો સાથે કોઈ લેવાદેવા નહોતી.