Get The App

‘આજ સુધી કોન્ટ્રાકટર પાસેથી એક રૂપિયો નથી લીધો’, પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણ મુદ્દે ગડકરીનો જવાબ

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
‘આજ સુધી કોન્ટ્રાકટર પાસેથી એક રૂપિયો નથી લીધો’, પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણ મુદ્દે ગડકરીનો જવાબ 1 - image

Nitin Gadkari On Ethanol : તાજેતરમાં જ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પુત્ર નિખિલની કંપનીને નફામાં વધારો કરવા માટે નીતિ બનાવી હોવાનો આક્ષેપ લાગ્યો હતો, જોકે હવે નીતિન ગડકરીએ તેનો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, એક શક્તિશાળી આયાત લોબી આક્ષેપોનું કામ કરે છે, જેઓ મારા નિર્ણયથી નાખુશ છે. તેમણે પોતાની તુલના એક ફળ આપનાર વૃક્ષ સાથે કરતા કહ્યું કે, ‘હું આવા આક્ષેપોનો જવાબ આપતો નથી, કારણ કે આવું કરવાથી તે સમાચાર બની જાય છે. જે વૃક્ષ ફળ આપે છે, લોકો તેના પર જ પથ્થર ફેંકે છે. સારું છે કે આપણે તેના પર ધ્યાન ન આપીએ.’

‘ઈથેનોલ નીતિથી ઈંધણ આયાત કરનારા સ્વાર્થીઓને નુકસાન થયું’

ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે, ‘મારી નીતિનો મુખ્ય હેતુ ઈથેનોલ મિશ્રણને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને ઊર્જા ઉત્પાદક બનાવવા અને પ્રદૂષણ ઘટાડવા પર કેન્દ્રિત છે. પેટ્રોલ સાથે ઈથેનોલનું મિશ્રણ કરવાની નીતિ લાવવાથી ઈંધણ આયાત કરનારા સ્વાર્થી લોકોને આર્થિક નુકસાન થયું છે.’

‘મેં આજ સુધી કોઈ પણ ઠેકેદાર પાસેથી એક પૈસો લીધો નથી’

તેમણે વધુમાં કહ્યું કે, ‘ક્રૂડ ઓઈલની આયાતથી લગભગ 22 લાખ કરોડ રૂપિયા દેશની બહાર જઈ રહ્યા હતા. મારા આ નિર્ણયથી કેટલાક લોકોના વેપારને અસર થઈ છે, જેના કારણે નારાજ થઈને મારા વિરુદ્ધ પૈસા આપીને સમાચાર ચલાવી રહ્યા છે. ‘મેં આજ સુધી કોઈ પણ ઠેકેદાર પાસેથી એક પૈસો લીધો નથી, તેથી ઠેકેદારો મારાથી ડરે છે.’

આ પણ વાંચો : ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં

હું ખોટા આરોપોથી પરેશાન નહીં થાવ : ગડકરી

ગડકરીએ અંતમાં કહ્યું કે, ‘હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરીશે અને ખોટા આરોપોથી પરેશાન નહીં થાવ. કારણ કે આ રાજકારણનો એક સામાન્ય અને સ્વાભાવિક ભાગ છે. લોકો જાણે છે કે સત્ય શું છે. મેં અગાઉ પણ ઘણી વખત આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે.’

પુત્રની કંપનીનો નફા વધતા ગડકરી પર કરાયો આક્ષેપ

ગડકરીનું આ નિવેદન તેમના પુત્ર નિખિલ ગડકરી દ્વારા સંચાલિત કંપની સીઆઇએન એગ્રો ઈન્ડસ્ટ્રીઝના મહેસૂલ અને નફામાં થયેલા તીવ્ર વધારાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઘણું મહત્ત્વનું છે. આ કંપની ઈથેનોલ ઉત્પાદનના વ્યવસાય સાથે જ સંકળાયેલી છે. કંપનીના નાણાકીય ડેટામાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનું મહેસૂલ 17.47 કરોડ રૂપિયા હતું, જે એપ્રિલ-જૂન 2025ના સમયગાળામાં વધીને 510.8 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ દરમિયાન કંપનીનો નફો પણ વધીને 52 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. આ ઉપરાંત કંપનીનું શેરનું મૂલ્ય પણ સોમવારે BSE પર એક વર્ષ પહેલાંના 172 રૂપિયાથી ઉછળીને 2023 રૂપિયા પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો : હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે... રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી