Get The App

રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'અભિવ્યક્તિની આઝાદી છે, પણ સેનાના અપમાનની સ્વતંત્રતા નહીં'

Updated: Jun 4th, 2025

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'અભિવ્યક્તિની આઝાદી છે, પણ સેનાના અપમાનની સ્વતંત્રતા નહીં' 1 - image

Allahabad High Court On Rahul Gandhi : વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ભારતીય સેના વિશે આપેલા નિવેદનને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે (4 જૂન) ફટકાર લગાવી હતી. ગુસ્સે ભરાયેલી કોર્ટે કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 19(1)(a)માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે. પરંતુ આ સ્વતંત્રતા વાજબી પ્રતિબંધોને આધીન છે અને તેમાં ભારતીય સેના વિશે અપમાનજનક નિવેદનો કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થતો નથી.

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી હતી. આ દરમિયાન વર્ષ 2022માં રાજસ્થાનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વખતે તેમણે કહ્યું હતું કે, ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને માર મારી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'લોકો ભારત જોડો યાત્રા, અશોક ગેહલોત અને સચિન પાયલટ વગેરે વિશે પૂછશે. પરંતુ તેઓ ચીન દ્વારા 2000 ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કરવા,  અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને માર મારવા વિશે એક પણ પ્રશ્ન પૂછશે નહીં. ભારતીય પ્રેસ આ મામલે એક પણ પ્રશ્ન પૂછતું નથી. શું તે સાચું નથી? દેશ આ બધું જોઈ રહ્યો છે. એવું ડોળ ન કરો કે લોકોને ખબર નથી.'

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આલોક વર્માએ રાહુલ ગાંધીને તેમની સામે દાખલ કરાયેલા માનહાનિના કેસમાં 24 માર્ચે સુનાવણી માટે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. આને પડકારતા રાહુલે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદ નિવૃત્ત બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવે દાખલ કરી હતી, જેમનો હોદ્દો આર્મી કર્નલની સમકક્ષ છે.

આ પણ વાંચો: 2025માં એક..બે... નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

જ્યારે રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે, ફરિયાદી આર્મી ઓફિસર ન હતા અને વ્યક્તિગત રીતે તેમની બદનક્ષી કરી નથી. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલની દલીલો ફગાવીને જણાવ્યું હતું કે, 'ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 199(1) હેઠળ, જો સીધી પીડિતા સિવાયની કોઈ વ્યક્તિ ગુનાથી પ્રભાવિત થાય તો તેને પીડિત વ્યક્તિ તરીકે ગણી શકાય. ઉદય શ્રીવાસ્તવે સેના પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો અને ટિપ્પણીથી તેમને વ્યક્તિગત રીતે દુઃખ થયું હોવાથી તેઓ ફરિયાદ નોંધાવવાનો હકદાર હતા.'