મુસ્લિમ-યાદવ માટે વિવાદાસ્પદ આદેશ જારી કરાતા અખિલેશ ભડક્યા, કહ્યું- ‘જાતિ-ધર્મ જોઈ ટાર્ગેટ કરાઈ રહ્યા છે’
Uttar Pradesh Political News : ઉત્તર પ્રદેશમાં પંચાયતી રાજ નિયામકમંડળે મુસ્લિમ-યાદવ મામલે વિવાદાસ્પદ આદેશ જારી કરતા રાજકારણ ગરમાયું છે. મંડળે તમામ જિલ્લા અધઇકારીઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ યાદવો અને મુસ્લિમોએ ગેરકાયદેસર કબજે કરેલી જમીન મુક્ત કરાવવાનું રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરે. આ આદેશ બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે.
અમે મંડળના વિવાદાસ્પદ આદેશ સામે કોર્ટમાં જઈશું : અખિલેશ
અખિલેશે મંડળના વિવાદાસ્પદ આદેશ મામલે ટ્વિટ કર્યું છે. તેમનું કહેવું છે કે, જે પણ ગેરકાયદેસર છે તે વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ કારણ કે ગેરકાયદેસર એ ગેરકાયદેસર હોય છે, પરંતુ વિશેષ જાતિ અથવા ધર્મના આધારે લોકોને ટાર્ગેટ કેમ કરવામાં આવી રહ્યા છે? ન્યાયપાલિકાએ આ આદેશને ધ્યાને લેવો જોઈએ, કારણ કે આ આદેશ બંધારણ વિરોધી છે. અમે આદેશ વિરુદ્ધ કોર્ટમાં જઈશું. પીડીએને જેટલા હેરાન કરવામાં આવશે, તેઓ તેટલા જ વધુ એક થશે.
આદેશ આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી
અધિકારીઓએ આદેશ આપ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગુસ્સે થયા છે અને તેમણે કડક કાર્યવાહી કરી છે. તેમણે આદેશ રદ કરવાની સાથે વિભાગના નિદેશકને પણ સસ્પન્ડ કરી દીધા છે. આ સાથે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘નિષ્પક્ષ અને કાયદેસર મુજબ ગેરકાયદેસર કબજે કરાયેલ જમીનો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આવી કાર્યવાહી કોઈ જાતિ કે ધર્મના આધારે ન કરી શકાય.’
શું હતી ઘટના?
પંચાયતી રાજના સંયુક્ત નિદેશક સુરેન્દ્ર નાથ સિંહે પંચાયતી રાજ નિયામકમંડળના તમામ જિલ્લા અધિકારીઓને આદેશ જારી કર્યો હતો અને 57,691 ગ્રામ પંચાયતોમાં જાતિ વિશેષ (યાદવ) અને ધર્મ વિશેષ (મુસ્લિમ) દ્વારા ગેરકાયદે કબજે કરાયેલ જમીન વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું હતું. તેમણે નિર્દેશ સાથે મુખ્યમંત્રીને છ જુલાઈએ લખેલા પત્રની કોપી પણ જોડી હતી.