આઝમ ખાન પર ખોટા કેસ કરીને ફસાવ્યા, સપા હંમેશા તેમની સાથે...', મુલાકાત બાદ બોલ્યા અખિલેશ
Akhilesh Yadav Met Azam Khan: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન સાથે મુલાકાત કરી. લાંબા સમય બાદ થયેલી આ મુલાકાતને સમાજવાદી પાર્ટી કેમ્પમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, 'હું જેલમાં આઝમ સાહેબને મળવા નહોતો જઈ શક્યો, પરંતુ હવે આવ્યો છું. આઝમ ખાન અમારી પાર્ટીની 'ધડકન' છે. જૂના લોકોની વાત જ અલગ હોય છે.'
અખિલેશ યાદવે આગળ કહ્યું કે, 'આઝમ ખાન અને તેમના પરિવારને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટી હંમેશા તેમની સાથે ઉભી છે.'
X પર શેર કરી મુલાકાતની તસવીર
આ મુલાકાત બાદ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીર શેર કરીને લખ્યું કે, 'ક્યા કહે ભલા ઉસ મુલાકાત કી દાસ્તાન જહાં બસ જઝ્બાતોને ખામોશી સે બાત કી.'
મુલાકાત બાદ અખિલેશ યાદવે કહ્યું કે, 'હું પહેલા નહોતો પહોંચી શક્યો, તેથી હું આજે તેમને મળવા અને તેમના હાલચાલ પૂછવા માટે તેમના ઘરે આવ્યો છું. આઝમ ખાન ખૂબ જ જૂના નેતા છે, અને જૂના નેતાઓની વાત જ કંઈક ખાસ છે. તેઓ આપણા પક્ષનું એક વૃક્ષ છે, જેમના મૂળ જેટલા ઊંડા છે, એટલો જ મોટો છાંયો અમારી સાથે છે.
અખિલેશે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, 'ભાજપ પાર્ટી કદાચ આઝમ ખાન વિરુદ્ધ સૌથી વધુ કેસ દાખલ કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માગે છે. આઝમ સાહેબ, તેમની પત્ની અને પુત્ર અબ્દુલ્લા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે.'
આ મુલાકાતને પાર્ટીમાં જૂના નેતાઓની નારાજગીને દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરના દિવસોમાં આઝમ ખાનનું મૌન અને સપા નેતૃત્વથી તેમના અંતરને રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યું હતું. અખિલેશની આ મુલાકાતને તે અંતરને દૂર કરવાની પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
રામપુરના રાજકારણમાં આઝમ ખાન સમાજવાદી પાર્ટી માટે મોટો ચહેરો
તમને જણાવી દઈએ કે, રામપુરના રાજકારણમાં આઝમ ખાન હંમેશા સમાજવાદી પાર્ટી માટે એક મોટો ચહેરો રહ્યા છે. મુલાયમ સિંહ યાદવના જમાનાથી તેમની ગણતરી પાર્ટીના પાયાના સ્તંભ તરીકે થઈ રહી છે. જોકે, તાજેતરના વર્ષોમાં આઝમ ખાન પર જમીન પચાવી પાડવા, ભેંસ ચોરી અને વીજળી ચોરી સહિતના અનેક મામલે કેસ નોંધાયા છે. આ કેસમાં તેઓ લાંબા સમય સુધી જેલમાં પણ રહ્યા છે.
કેવી રીતે વધ્યુ હતું અંતર?
આ દરમિયાન જ સમાજવાદી પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આઝમ ખાન વચ્ચે અંતર વધવાની ચર્ચાએ જોર પકડ્યું. આઝમ ખાનના સમર્થકોએ ઘણીવાર ખુલીને નારાજગી વ્યક્ત કરી કે તેમની સાથે અન્યાય થયો ત્યારે પાર્ટીએ પૂરતો અવાજ ન ઉઠાવ્યો.
આ પણ વાંચો: 23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન, તમામ 72 કેસમાં મળ્યા જામીન
આઝમ ખાને અખિલેશ યાદવનું સ્વાગત કર્યું
તમને જણાવી દઈએ કે, અખિલેશ યાદવની રામપુર યાત્રા માટે રૂટ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવારથી જ વહીવટીતંત્ર અને સપા નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. વહીવટીતંત્રએ તેમને મુરાદાબાદ રૂટથી જવાની સલાહ આપી હતી, પરંતુ અખિલેશે બરેલી રૂટ લેવાનો જ આગ્રહ રાખ્યો હતો. બાદમાં બરેલી એરપોર્ટથી તેઓ હેલિકોપ્ટર દ્વારા જૌહર યુનિવર્સિટી પહોંચ્યા જ્યાં આઝમ ખાને તેમનું સ્વાગત કર્યું.