23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન, તમામ 72 કેસમાં મળ્યા જામીન
Image : X |
Azam Khan Released: સપાના સિનિયર નેતા આઝમ ખાન 23 મહિના બાદ જેલમાંથી મુક્ત થયા છે. લાંબા સમયથી તેઓ સીતાપુર જેલમાં બંધ હતા. મંગળવારે (23 સપ્ટેમ્બર) સવારે 9 વાગ્યે સીતાપુર જેલથી તેમને મુક્ત કરવાના હતા. પરંતુ, કાનૂની અડચણોના કારણે મોડું થઈ ગયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જામીન મળ્યા બાદ દંડની રકમ જમા ન કરવાના કારણે સવારે 9 વાગ્યે તેમની મુક્તિ થઈ શકી નહતી. જોકે, હવે તેમને મુક્ત કરી દેવાયા છે.
આઝમ ખાનના દીકરા અદીબ આઝમ ખાન અને તેમના સમર્થકો આઝમ ખાનને લેવા માટે વહેલી સવારે 9 વાગ્યેથી જ જેલ પહોંચી ગયા હતા. પરંતુ, પોલીસ વહીવટીતંત્રએ આઝમ ખાનના દીકરા અને સમર્થકોને જેલ સામેથી દૂર હટી જવા જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ નેતાઓની મૂર્તિ માટે સરકારની તિજોરીથી ખર્ચો કેમ? સુપ્રીમ કોર્ટની તમિલનાડુ સરકારને ફટકાર
કેમ થયું મોડું?
નોંધનીય છે કે, આઝમ ખાનની મુક્તિ માટે પેપર વર્કમાં મોડું થયું હતું. આઝમ ખાને રામપુરમાં ચાલી રહેલા એક કેસ પર કોર્ટનો દંડ નહતો ભર્યો, જેના કારણે તેમની મુક્તિ રોકી દેવામાં આવી હતી. હકીકતમાં આઝમ ખાન પર એક કેસમાં બે કલમ હેઠળ 3 અને 5 હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો, જેને તેમણે જમા નહતો કરાવ્યો. ત્યાર બાદ નક્કી થયું કે, 10 વાગ્યે રામપુર કોર્ટ ખુલ્યા બાદ દંડની રકમ જમા કરવામાં આવશે અને બાદમાં ફેક્સથી સૂચના સીતાપુર મોકલવામાં આવશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ આઝમ ખાનને મુક્ત કરવામાં આવશે.
અખિલેશ યાદવનું નિવેદન
સપા નેતા આઝમ ખાનની મુક્તિ પર પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે ખુશી વ્યક્ત કરી છે. તેમણે વચન આપ્યું છે કે, યુપીમાં સપાની સરકાર આવતાની સાથે જ આઝમ ખાન પર લગાવવામાં આવેલા તમામ કેસ પરત ખેંચવામાં આવશે.
આઝમના સમર્થકો અખિલેશથી નારાજ
આઝમ ખાન લાંબા સમયથી જેલમાં બંધ હતા અને તેમના સમર્થક સપા પ્રમુખ અખિલેશ યાદવથી નારાજ હતા. કારણ કે, તેમણે ન તો આ કેસ પર વધારે ધ્યાન આપ્યું અને ન તો તેમનું એવું કોઈ નિવેદન સામે આવ્યું, જેનાથી આઝમ ખાનને રાહત મળી શકે.
એક સમય હતો જ્યારે આઝમ ખાન યુપીમાં સપાના કદાવર નેતાઓમાંથી એક હતા. જ્યારે ત્યાં મુલાયમ સિંહની સરકાર હતી તો આઝમ ખાન ખૂબ પ્રભાવશાળી માનવામાં આવતા હતા. પરંતુ, સમય બદલાયો અને હવે યુપીમાં ભાજપ સરકાર આવતા આઝમ ખાન તેમના પર ચાલી રહેલા કેસના કારણે જેલમાં જવું પડ્યું.
લાંબા સમયથી જેલમાં હતા
આઝમ ખાને ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે જેલથી બહાર ન આવી શક્યા. એક બાજ તેમના પરના કેસની સંખ્યા વધી રહી અને બીજી બાજું તેમના જેલમાં રહેવાના દિવસો પણ વધી રહ્યા હતા. હાલ, તેમની મુક્તિનો રસ્તો સાફ થઈ ગયો છે પરંતુ, જાણકારોનું માનવું છે કે, બહારનું જીવન પણ તેમના માટે પહેલાં જેટલું સરળ નહીં રહે.
બસપા જવાની અટકળો
હાલ, એવી અટકળો ચાલી રહી છે કે, આઝમ ખાન સપા અને અખિલેશ યાદવથી નારાજ થઈને બસપામાં જોડાઇ શકે છે. સૂત્રોનું કહેવું છે કે, 9 ઓક્ટોબરે લખનૌમાં બસપા પ્રમુખ માયાવતી એક મોટા સંમેલનનું આયોજન કરી રહી છે. આ દિવસે આઝમ ખાન બસપામાં જોડાઇ શકે છે. જોકે, હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.