અજમેર દરગાહ મામલે નાજિમની નોટિસથી વિવાદ, કહ્યું - 'કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર...'
Ajmer Dargah: અજમેર શરીફ દરગાહના નાઝિમ દ્વારા બહાર પાડવામાં આવેલી એક નોટિસની ખૂબ ટીકા થઈ રહી છે. આ નોટિસમાં કથિત રૂપે દરગાહ પરિસરની અંદરની જૂની ઇમારતોને કારણે થતી કોઈપણ દુર્ઘટનાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. જેથી ઘણા મુસ્લિમ સંગઠનો આ નોટીસની ટીકા કરી રહ્યા છે.
નોટિસમાં શું છે?
21 જુલાઈના રોજ નાઝિમ મોહમ્મદ બેલાલ ખાન દ્વારા ડિજિટલ રીતે સહી કરાયેલી આ નોટિસમાં યાત્રાળુઓને દરગાહ પરિસરની અંદર સંભવિત માળખાકીય જોખમો વિશે ચેતવણી આપવામાં આવી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દુર્ઘટનાઓની સ્થિતિમાં વહીવટીતંત્ર કાયદેસર રીતે જવાબદાર રહેશે નહીં. જેના કારણે નાઝિમની ટીકા થઈ રહી છે.
અસુરક્ષિત સ્નુંથળો સમારકામ કરાવવાની સંગઠનોની માંગ
મુસ્લિમ પ્રોગ્રેસિવ ફેડરેશને આ નોટિસને 'શરમજનક' અને 'જવાબદારીનો અભાવ' ગણાવી છે. ફેડરેશનના અધ્યક્ષ અબ્દુલ સલામ જૌહરે નાઝિમને લખેલા પત્રમાં કહ્યું છે કે, 'આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતી જગ્યાએ આ પ્રકારની જવાબદારી ન લેવી એ સ્વીકારી શકાય નહીં. વહીવટીતંત્રે જવાબદારીનો ઇનકાર કરવાને બદલે અસુરક્ષિત સ્થળોને ઓળખીને તેમનું સમારકામ કરાવવું જોઈતું હતું.'
આ પણ વાંચો: એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ મામલે દિલ્હી-મુંબઈને પછાડી નાનકડું શહેર દેશભરમાં ટોચે
રાજસ્થાન મુસ્લિમ એલાયન્સના અધ્યક્ષ મોહસિન રશીદે આને કર્તવ્યની અવગણના ગણાવતા કહ્યું કે, 'અજમેર શરીફ કોઈ પર્યટન સ્થળ નથી, પરંતુ ઈબાદત કરવાનું ધાર્મિક સ્થળ છે.'
સોશિયલ મીડિયા પર પણ આક્રોશ
આ નોટિસ વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ માંગ કરી છે કે જો આ નોટિસ પાછી ખેંચવામાં નહીં આવે, તેમજ સુરક્ષાના પગલાં લાગુ કરવામાં નહીં આવે, તો કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયે હસ્તક્ષેપ કરવો જોઈએ. જોકે, આ અંગે હજુ સુધી નાઝિમની ઓફિસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.