Ajit Pawar Plane Crash Live Video: પુણેના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાના હચમચાવી દે તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. બારામતીના ગોજુબાવી ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે અજિત પવાર બેઠા હતા તે વિમાન લેન્ડિંગ સમયે અચાનક નિયંત્રણ ગુમાવીને હવામાં જ ગોથું ખાય છે અને ગણતરીની સેકન્ડોમાં જ સીધું જમીન પર પટકાય છે.
આંખના પલકારે વિમાન ક્રેશ થયું તે દ્રશ્યોથી દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજ જાણી શકાય છે. વિમાન કઈ રીતે અને કયા ટેકનિકલ કારણોસર ક્રેશ થયું તે જાણવા માટે અત્યારે તપાસ તેજ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કેપ્ટન સુમિત કપૂર (પાઇલટ-ઇન-કમાન્ડ), કેપ્ટન શામ્ભવી પાઠક (ફર્સ્ટ ઓફિસર), વિદીપ જાધવ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) અને પિંકી માલી (ફ્લાઈટ એટેન્ડન્ટ) એમ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાજકારણ ન કરવું જોઈએ: શરદ પવાર
બારામતી પ્લેન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન થતાં મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે પરિવાર તરફથી દિગ્ગજ નેતા અને અજીત પવારના કાકા શરદ પવારનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અજીત પવારના અવસાનથી પવાર પરિવાર ખૂબ જ દુખી છે, આ વિમાનનું ક્રેશ થવું એ સંપૂર્ણ રીતે દુર્ઘટના જ છે તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન કરવું જોઈએ, મહારાષ્ટ્રએ આજે એક એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની કિંમત ક્યારે ચૂકવી શકાશે નહીં. અજીત પવારનું જવું ન માત્ર પરિવાર કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે પણ મહારાષ્ટ્ર માટે ન પુરાય તેવી ક્ષતિ છે.
લેન્ડિંગ પહેલા શું થયું હતું, દુર્ઘટના પહેલાની સમગ્ર ઘટનાનું વર્ણન
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, 28 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 8:18 વાગ્યે વિમાન (VI-SSK) એ બારામતી એરપોર્ટ સાથે પ્રથમ સંપર્ક કર્યો હતો.
ખરાબ વિઝિબિલિટી
જ્યારે વિમાન એરપોર્ટથી 30 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે પાઇલટે હવાની ગતિ અને વિઝિબિલિટી વિશે પૂછપરછ કરી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે વિઝિબિલિટી માત્ર 3000 મીટર છે.
પ્રથમ પ્રયાસ
પાઇલટે રનવે 11 પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પરંતુ રનવે દેખાતો ન હોવાથી લેન્ડિંગ રદ કરી વિમાન ફરી હવામાં લીધું હતું.
બીજો પ્રયાસ અને અકસ્માત
પાઇલટે ફરીથી લેન્ડિંગની કોશિશ કરી. સવારે 8:43 વાગ્યે પાઇલટે રનવે દેખાતો હોવાની પુષ્ટિ કરી અને એરપોર્ટ સ્ટાફ દ્વારા લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી.
એક મિનિટમાં જ સર્જાયો કાળો કહેર
લેન્ડિંગની મંજૂરી મળ્યા બાદ પાઇલટ તરફથી કોઈ વળતો સંદેશ મળ્યો ન હતો. બરાબર એક મિનિટ પછી, એટલે કે 8:44 વાગ્યે, એરપોર્ટ કર્મચારીઓએ રનવે 11 પાસે આગની જ્વાળાઓ જોઈ. તપાસમાં વિમાનનો કાટમાળ રનવેની ડાબી બાજુએ વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો.


