Get The App

દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા રાહુલ ગાંધીની માંગ, કેજરીવાલે કહ્યું- એર પ્યોરિફાયર પરથી GST હટાવો

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
Rahul Gandhi on Delhi Air Pollution
(Image - Ians)

Rahul Gandhi on Delhi Air Pollution: દિલ્હીમાં છેલ્લા ઘણાં દિવસોથી હવામાન ખરાબ છે. આજે શુક્રવારે પણ રાજધાનીની હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' રહી હતી અને તેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 384 નોંધાયો હતો. હવાની ગુણવત્તામાં કોઈ સુધારો ન થતાં લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે અને આ પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે.

વિપક્ષે પ્રદૂષણ મુદ્દે સરકાર પર આક્રોશ

આ પ્રદૂષણના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં તાત્કાલિક આ પ્રદૂષણ પર ચર્ચા કરાવવાની માંગ કરી છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, 'હું જે પણ માતાને મળું છું, તે મને એ જ કહે છે - તેનું બાળક ઝેરી હવામાં શ્વાસ લઈને મોટું થઈ રહ્યું છે. તેઓ થાકેલા, ડરેલા અને ગુસ્સામાં છે.'

આ મામલે રાહુલ ગાંધીએ પીએમ મોદીને પ્રશ્ન કરતાં કહ્યું કે, 'મોદીજી, ભારતના બાળકોનો આપણી સામે જ શ્વાસ રુંધાઈ રહ્યો છે. તમે ચૂપ કેવી રીતે રહી શકો? તમારી સરકાર કોઈ ઉતાવળ, કોઈ યોજના કે પછી કોઈ જવાબદારી કેમ નથી બતાવતી?'

સંસદમાં પ્રદૂષણને લઈને ચર્ચા કરાવવાની માંગ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'દેશને વાયુ પ્રદૂષણ પર તાત્કાલિક, સંસદમાં વિસ્તૃત ચર્ચા અને આ હેલ્થ ઇમરજન્સીનો સામનો કરવા માટે એક સખત, લાગુ કરી શકાય તેવા એક્શન પ્લાનની જરૂર છે. આપણા બાળકોને સ્વચ્છ હવા મળવી જોઈએ, બહાના અને ધ્યાન ભટકાવનારી વસ્તુઓ નહીં.'

આ પણ વાંચો: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે

જો સમાધાન ન આપી શકો તો GST હટાવી બોજ ઓછો કરો: કેજરીવાલ

આ જ રીતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પણ વાયુ પ્રદૂષણ પર કહ્યું કે, 'સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.  દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હવા જીવલેણ થઈ ચૂકી છે અને સમસ્યાનું સમાધાન આપવાને બદલે સરકાર જનતા પાસેથી ટેક્સ વસૂલી રહી છે. લોકો પોતાના પરિવારને પ્રદૂષણથી બચાવવા માટે એર પ્યોરિફાયર લેવા જાય છે અને ત્યાં ખબર પડે છે કે સરકાર તેના પર 18% GST વસૂલી રહી છે. આ અન્યાય છે.'

એર પ્યોરિફાયર પરથી GST હટાવવાની માંગ કરતાં AAP નેતાએ કહ્યું, 'હું કેન્દ્ર સરકાર પાસે માંગ કરું છું કે એર અને વોટર પ્યોરિફાયર પર લગાવેલો GST તાત્કાલિક હટાવવામાં આવે. જો સમાધાન નથી આપી શકતા, તો ઓછામાં ઓછું જનતાના ખિસ્સા પર બોજ નાખવાનું બંધ કરો.'

દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા રાહુલ ગાંધીની માંગ, કેજરીવાલે કહ્યું- એર પ્યોરિફાયર પરથી GST હટાવો 2 - image

Tags :