'અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે...' અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે?
Air India Plane Crash: અમદાવાદમાં ગત મહિને થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ તમામને હચમચાવી મૂક્યા હતા. આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા અને એકમાત્ર મુસાફર દીવના વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયો હતો. લોકોનું માનવું છે કે વિશ્વાસ ખૂબ જ ભાગ્યશાળી છે પરંતુ તે ખુદ આ ભયાનક આઘાતમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. વિશ્વાસકુમાર રમેશના સ્વજનોએ જણાવ્યું કે, 'પ્લેનક્રેશની ઘટના બાદ વિશ્વાસકુમાર રમેશ આજે પણ અડધી રાત્રે અચાનક જાગી જાય છે અને પછી ઉંઘી શકતો નથી, તે લોકો સાથે વાત કરવાનું પણ ટાળે છે'
વિશ્વાસ કુમાર હાલમાં મનોચિકિત્સકની મદદ લઈ રહ્યો છે
તમને જણાવી દઈએ કે, પ્લેનક્રેશમાં વિમાનમાં સવાર 241ના મોત થયા હતા અને એકમાત્ર મુસાફર દીવના વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયો હતો. જેના કારણે લોકોએ તેને નસબીનો બળિયો ગણાવ્યો હતો. જોકે, આ હોનારતમાં પોતાના ભાઈ અજયને પણ ગુમાવનારા વિશ્વાસકુમારને હાલ મનોચિકિત્સકની મદદ લેવાની જરૂર પડી રહી છે. તેમના પિતરાઈ સન્નીએ જણાવ્યું કે, 'અમારા ઘણા સ્વજનો વિદેશથી ફોન કરે છે અને વિશ્વાસ સાથે વાત કરવા માગે છે. પરંતુ વિશ્વાસ કોઇ પણ સાથે વાત કરવાનું પસંદ કરી રહ્યો નથી. પ્લેનક્રેશ અને તેમાં પોતાના ભાઈના મૃત્યુના આઘાતમાંથી તે હજુ બહાર આવી શક્યો નથી. તેને ઉંઘવામાં પણ તકલીફ પડી રહી છે. અમે તેને બે દિવસ અગાઉ મનોચિકિત્સક પાસે લઇ ગયા હતા. તેની સારવાર શરૂ જ થઇ હોવાથી લંડન પરત ફરવાનું તેણે હજુ કોઇ આયોજન કર્યું નથી.'
આ પણ વાંચો: ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી
વિશ્વાસને પાંચ દિવસ સુધી સિવિલમાં સારવાર આપવામાં આવી હતી
પ્લેનક્રેશ બાદ વિશ્વાસને પાંચ દિવસ સુધી સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. હવે હાલમાં તે દીવમાં રહીને મનોચિકિત્સકની મદદ લઈ રહ્યો છે.