અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત જ ના સર્જાઈ હોત, 6 વર્ષ અગાઉ સલાહ માની લીધી હોત તો...
Ahmedabad Plane Crash Report: અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના આ રિપોર્ટમાં ફ્યુલ સ્વિચમાં ખામીને દુર્ઘટનાનું કારણ કહેવામાં આવ્યું છે. ફ્યુલ સપ્લાય ખોરવાઈ ગયો અને વિમાન ક્રેશ થયું. ફ્યુલ કંટ્રોલ સ્વિચ અંગે લગભગ છ-સાત વર્ષ પહેલાં એક મહત્ત્વપૂર્ણ સલાહ અપાઈ હતી. જો કે, આ સલાહને અવગણના કરાઈ હતી. જો આ સલાહનું પાલન કરવામાં આવ્યું હોત, તો આ વિમાન દુર્ઘટના ન સર્જાઈ હોત.
અમેરિકન એવિએશન રેગ્યુલેટરે સલાહ આપી હતી
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગેના રિપોર્ટમાં અમેરિકન એવિએશન રેગ્યુલેટરની સલાહનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ સલાહ અમેરિકન એવિએશન રેગ્યુલેટર ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા 17મી ડિસેમ્બર 2018ના રોજ અપાઈ હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ફ્યુલ કંટ્રોલ સ્વિચ લોકિંગ ફીચરમાં સમસ્યા છે. જો કે, એર ઈન્ડિયાએ આ સલાહ પછીયે કોઈ કાર્યવાહી ના કરી અને એવું કારણ આપ્યું કે અમને ફરજિયાત કાર્યવાહી કરવા નહોતું કહેવાયું. તે ફક્ત એડવાઈઝરી હતી. તેથી અમે આવું કોઈ નિરીક્ષણ પણ નહોતું કર્યું. અમને સલામતીમાં તાત્કાલિક કોઈ ફેરફાર કરવાનો પણ આદેશ નહોતો અપાયો.
ખેર, આ દુર્ઘટના પછી બોઈંગ 787ની ડિઝાઇન, ખાસ કરીને ફ્યુલ સ્વિચ મિકેનિઝમ અને તેની લોકિંગ સિસ્ટમની પણ વૈશ્વિક તપાસ શરૂ થઈ ગઈ છે.
બંને એન્જિન બંધ થઈ ગયા હતા
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ શુક્રવારે (11મી જુલાઈ) મોડી રાત્રે અકસ્માતનો 15 પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો. આ રિપોર્ટ મુજબ, બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનને ઈંધણ મળવાનું બંધ થતાં થ્રસ્ટ ઘટવા લાગ્યું હતું અને વિમાન નીચે તરફ ધકેલાવા લાગ્યું. જો કે, હજુ એ સ્વિચ કટ ઓફની સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે જણાવવામાં આવ્યું નથી.
મેન્ટેનન્સ રિપોર્ટમાં કોઈ ખામી નથી
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા AAIBએ એર ઇન્ડિયાના મેઈન્ટેનન્સ રિપોર્ટની પણ તપાસ કરી છે. જેમાં વર્ષ 2023થી વિમાનના ફ્યુલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ખામી નથી. વિમાનમાં કોકપિટ કંટ્રોલ પેનલ છેલ્લે 2023માં જ બદલવામાં આવ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ટેકનિકલ ટીમો ફ્લાઇટ ડેટા, કોકપિટ ઓડિયો અને હાર્ડવેર ઘટકોની તપાસ કરી રહી છે જેથી સમજી શકાય કે કોકપિટ એરર, તકનીકી ખામી અથવા પ્રક્રિયાગત ભૂલ કોઈ ભૂમિકા ભજવી હતી કે નહીં. તમામ પાસાંનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યા પછી અંતિમ રિપોર્ટ જાહેર કરાશે.