દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાના વિમાનમાં લાગી આગ
Air India Plane News: દિલ્હી એરપોર્ટ પર આજે(22 જુલાઈ) એક મોટી દુર્ઘટના જોવા મળી છે. જ્યાં, હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરનારા એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ વિમાનના ઓક્સિલરી પાવર યુનિટમાં લાગી હતી. રાહતની વાત એ છે કે તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ મેમ્બર્સ પણ સુરક્ષિત છે.
મળતી માહિતી અનુસાર, AI 315માં લેન્ડિંગ અને ગેટ પર પાર્કિંગ કર્યા પછી તરત જ ઓક્સિલરી પાવર યુનિટમાં સામાન્ય આગ લાગી હતી. આ ઘટના લેન્ડિંગ બાદ બની હતી. ઉડ્ડયન કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે. એર ઇન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મુસાફરોએ વિમાનમાં ઉતરવાનું શરૂ કરી દીધું હતું. સિસ્ટમ ડિઝાઇન મુજબ, APU ઓટોમેટિકલી બંધ થઈ ગયું હતું. વિમાનને થોડું નુકસાન થયું છે, પરંતુ બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.
કંપનીએ કહ્યું કે, હાલ વિમાનને ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે અને ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. ઘટના અંગે નિયમનકારી એજન્સીઓને પણ જાણ કરી દેવાઈ છે.
એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ
વિમાનમાં આગ લાગવાની ઘટના બાદ એરપોર્ટ પર થોડો સમય સુધી અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વિમાનમાં આ આગ કઈ રીતે લાગી તેની તપાસ કરાઈ રહી છે. કંપનીનું કહેવું છે કે વિમાનના સંચાલનને હાલ પૂરતું રોકી દેવાયું છે.
અમદાવાદ દુર્ઘટના બાદ DGCA તરફથી એરલાઈન્સ કંપનીઓને કડક નિર્દેશ આપ્યા છે. બીજી તરફ એરલાઈન્સ કંપનીઓ તરફથી પણ મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે તમામ નાની-મોટી ચકાસણી કરાઈ રહી છે.