Get The App

અમેરિકાથી દોઢ કરોડના સોનાની તસ્કરી કરતા એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

Updated: Jun 16th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાથી દોઢ કરોડના સોનાની તસ્કરી કરતા એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ 1 - image


Image Source: Twitter

Air India Crew Member Arrested For Gold Smuggling: મુંબઈ એરપોર્ટ પર DRI (રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ) એ એક મોટી કાર્યવાહી કરતા સોનાની તસ્કરીના આરોપસર એર ઈન્ડિયાના એક પુરુષ ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે. આ ક્રૂ મેમ્બર 13 જૂને ન્યૂયોર્કથી આવનારી ફ્લાઈટ AI-116 દ્વારા મુંબઈ પહોંચ્યો હતો.

ક્યાં છુપાવ્યું હતું સોનું?

જોકે, શરૂઆતની તપાસમાં કંઈ નથી મળ્યું. પરંતુ પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે, મેં એક પાઉચમાં વિદેશી સોનની બિસ્કિટ કાળી ટેપમાં લપેટીને એરપોર્ટના બેગેજ સર્વિસ એરિયામાં છુપાવી દીધી હતી. ક્રૂ મેમ્બરે આ કામ ત્યારે કર્યું જ્યારે તેનો બ્રીથ એનાલાઈઝર ટેસ્ટ ચાલી રહ્યો હતો. 

ત્યારબાદ DRI અધિકારીઓએ તે સ્થળની તપાસ કરી જ્યાં ક્રૂ મેમ્બરે જાણકારી આપી હતી, જ્યાંથી એક પાઉચ રિકવર કર્યું જેમાં 1,373 ગ્રામ વિદેશી સોનું હતું. તેની કિંમત આશરે 1.42 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આરોપીએ એ પણ સ્વીકાર્યું કે, તેણે પહેલા પણ ઘણી વખત સોનાની તસ્કરી કરી છે.



તસ્કરી રેકેટના માસ્ટરમાઈન્ડની ધરપકડ

DRI અધિકારીઓએ તપાસ બાદ સોનાની તસ્કરીના રેકેટના માસ્ટરમાઈન્ડની પણ ધરપકડ કરી છે, જેણે તસ્કરી માટે એરલાઈન સ્ટાફની ભરતી કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તેણે એરલાઈન સ્ટાફની મદદથી ઘણી વખત સોનાની તસ્કરી કરાવી છે.

આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

ધરપકડ કરાયેલા બંને આરોપીઓની કસ્ટમ્સ એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે અને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ કેસમાં DRIની તપાસ હજુ પણ ચાલુ છે અને નેટવર્કના અન્ય સભ્યોની ઓળખ કરવામાં આવી રહી છે.

પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે

આ પહેલી વાર નથી જ્યારે એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સ તસ્કર કરતા પકડાયા હોય. ડિસેમ્બર 2024માં ચેન્નઈ એરપોર્ટ પર એક કેબિન ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી જે એક મુસાફરની મદદથી 1.7 કિલો 24 કેરેટ સોનાની તસ્કરી કરી રહ્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે ક્રૂ મેમ્બરે ફ્લાઈટ દરમિયાન મુસાફર પાસેથી સોનું લીધું હતું અને તેને છુપાવી દીધું હતું.

મે 2024માં પણ આવો એક મામલો સામે આવ્યો હતો, જ્યારે એર ઈન્ડિયાની એર હોસ્ટેસ સુરભી ખાતૂન કેરળના કન્નુર એરપોર્ટ પર 960 ગ્રામ સોનાની તસ્કરીના આરોપમાં પકડાઈ હતી. તેણે સોનું તેના શરીરની અંદર (રેક્ટમમાં) છુપાવી રાખ્યું હતું. 

Tags :