India

દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233: GRAP-1ના કડક નિયંત્રણો લાગુ, જાણો શું બંધ રહેશે

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
દિવાળી પહેલા દિલ્હીમાં પ્રદૂષણ વધતાં GRAP-1 લાગુ કરાયો છે. બુધવારે સવારે 9 વાગ્યે દિલ્હીનો AQI 233 નોંધાયો હતો, જેથી હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં પહોંચી ગઈ. આને કારણે હોટેલોમાં કોલસાના ઉપયોગ અને ડીઝલ જનરેટર (ઈમરજન્સી સિવાય) પર પ્રતિબંધ મૂકાયો છે. રસ્તાઓની સફાઈ અને પાણીનો છંટકાવ શરૂ કરાયો. તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ઠંડક અનુભવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233: GRAP-1ના કડક નિયંત્રણો લાગુ, જાણો શું બંધ રહેશે

Delhi Air Pollution : દિવાળીના તહેવાર પહેલા જ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી ગયું છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખરાબ' કેટેગરીમાં પહોંચી જતાં વહીવટીતંત્ર દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP-1ના નિયંત્રણો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 201થી 300ની વચ્ચે પહોંચે ત્યારે આ નિયંત્રણો અમલમાં મૂકવામાં આવે છે. બુધવારે સવારે 9 વાગ્યે દિલ્હીનો AQI 233 નોંધાયો હતો, જેના કારણે વાતાવરણ ધૂંધળું બનવાની સાથે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

GRAP-1 લાગુ થતાં આ બાબતો પર મુકાયો પ્રતિબંધ

પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં કોલસાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ડીઝલ જનરેટર ચલાવવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે, માત્ર ઈમરજન્સી સેવાઓમાં જ તેના ઉપયોગની છૂટ મળશે. ધૂળની માત્રા ઘટાડવા માટે રસ્તાઓની નિયમિત સફાઈ અને પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં ચાલી રહેલા બાંધકામ સ્થળો પર ધૂળ ન ઊડે તે માટે ખાસ મોનિટરિંગ વધારી દેવાયું છે તેમજ કચરાના યોગ્ય નિકાલ માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દિલ્હીના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો

હવામાન વિભાગ(IMD) અનુસાર, દિલ્હીમાં લઘુતમ તાપમાન ઘટીને 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ ઋતુના સરેરાશ તાપમાન કરતાં ઓછું છે. સફદરજંગમાં લઘુતમ પારો 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો, જ્યારે પાલમ વિસ્તારમાં તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી ઓછું છે. લોધી રોડ પર 17.7 ડિગ્રી, રિજ વિસ્તારમાં 19.1 ડિગ્રી અને આયાનગરમાં 17.7 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતા વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.

કેવી રીતે નક્કી થાય છે હવાની ગુણવત્તાનું સ્તર?

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(CPCB)ના માપદંડ મુજબ, 0થી 50 વચ્ચેનો AQI 'સારો' ગણવામાં આવે છે. 51થી 100 વચ્ચે હોય તો 'સંતોષકારક', 101થી 200 સુધી 'મધ્યમ' અને 201થી 300 વચ્ચેનો સ્કોર 'ખરાબ' શ્રેણીમાં મૂકાય છે. જો ઇન્ડેક્સ 301થી 400 પર પહોંચે તો 'ખૂબ ખરાબ' અને 401થી 500 વચ્ચે પહોંચે ત્યારે સ્થિતિ 'ગંભીર' માનવામાં આવે છે. હાલ દિલ્હીમાં આંકડો 233 પર પહોંચી ગયો હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે.