‘પાયલટે પડકારજનક પરિસ્થિતિઓમાં જવાબદારી સાથે કામ કર્યું’, અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે ICPAનું મોટું નિવેદન
Ahmedabad Air India Plane Crash : ભારતીય કોમર્શિયલ પાયલટ્સ સંઘ (ICPA)એ આજે (13 જુલાઈ) કહ્યું છે કે, ‘ગત મહિને અમદાવાદમાં ક્રેશ થયેલ એર ઈન્ડિયાના B787-8 વિમાનના પાયલોટે પડકારજનક પરિસ્થિતિઓમાં જવાબદારી સાથે કામ કર્યું. ક્રૂએ તેમની તાલીમ અને ફરજો બજાવી, આવી સ્થિતિમાં અનુમાનના આધારે પાઇલટ્સને બદનામ ન કરવા જોઈએ. પાયલટની ભૂલનો આરોપોને રદીયો આપી સંઘે ભારપૂર્વક કહ્યું કે, ‘જ્યાં સુધી સત્તાવાર તપાસ પુરી ન થાય અને છેલ્લો રિપોર્ટ સામે ન આવે, ત્યાં સુધી કોઈપણ અટકળો અસ્વિકાર્ય છે. આવી અટકળોની સંપૂર્ણ ટીકા થવી જોઈએ. ICPA એ ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાના નેરો-બોડી ફ્લીટના પાઇલટ્સનું જૂથ છે.
ઈન્ડિયન એરલાઇન પાઈલટ્સ એસોસિએશને પણ નારાજગી વ્યક્ત કરી
ઈન્ડિયન એરલાઇન પાઈલટ્સ એસોસિએશને શનિવારે (12 જુલાઈ) એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની નિષ્પક્ષ અને તથ્ય આધારિત તપાસની માંગ પણ કરી હતી. એસોસિએશને દાવો કર્યો કે, દુર્ઘટનાની તપાસની રીત પાયલટની ભૂલ તરફ લઈ જવાના સંકેત આપી રહ્યા છે. રિપોર્ટમાં પાયલટની ભૂલ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
AAIBએ પ્રાથમિક રિપોર્ટમાં શું કહ્યું?
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171નું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફક્ત 32 સેકન્ડમાં આકાશમાંથી પડી ગયું હતું. AAIBના રિપોર્ટ અનુસાર, બન્ને એન્જિન બંધ થયા છતાં પાયલટ અંતિમ શ્વાસ સુધી વિમાનને બચાવવાનો પ્રયાસ કરતા હતા. જો કે, એન્જિન-1માં રિકવરી શરુ થઈ ગઈ હતી, પરંતુ એન્જિન 2ને ચાલુ કરી શકાયું નહીં. AAIBના રિપોર્ટ અનુસાર, પાયલટે મેડે (MAYDAY) કોલ આપ્યો હતો. જો કે, થોડી જ સેકન્ડો પહેલા જ વિમાનને બચાવવા માટે છેલ્લો પ્રયાસ કર્યો હતો. મેડે કોલના માત્ર 13 સેકન્ડ પહેલા પાયલટે એન્જિન ફ્યુલ કંટ્રોલ સ્વિચને કટઑફથી રનમાં પરત ફેરવ્યું, જેનો અર્થ થાય છે કે, એન્જિન ફરીથી સ્ટાર્ટ કરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી.
ICPAએ શું કહ્યું?
ભારતીય કોમર્શિયલ પાયલટ્સ સંઘે રવિવારે કહ્યું કે, ‘અમે મીડિયા અને જાહેર ચર્ચાઓમાં ચાલી રહેલી અટકળોથી ખૂબ જ પરેશાન છીએ. પાયલટની ભૂલના વાહિયાત અને પાયાવિહોણા આરોપો ચિંતાજનક છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ સમયે આવા દાવાનો કોઈ આધાર નથી. અધૂરી અથવા પ્રારંભિક માહિતીના આધારે આવા ગંભીર આરોપો લગાવવા એ માત્ર બેજવાબદારી જ નહીં પરંતુ સંડોવાયેલા વ્યક્તિઓ અને પરિવારો પ્રત્યે અત્યંત અસંવેદનશીલ પણ છે.'
આ પણ જુઓ : VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા